બોલિવુડ અભિનેતા અને નિર્માતા સોહેલ ખાને તાજેતરમાં એક રિયાલિટી શોમાં પોતાના જીવન સાથે જોડાયેલો એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને દરેક ભાવુક થઈ ગયા હતા. સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાને જણાવ્યું કે, બાળપણમાં તેઓ જાતીય સતામણીનો ભોગ બન્યા હતા. જોકે, આ દુઃખદ ઘટના વિશે તેમણે ઘણા વર્ષો સુધી કોઈને કંઈ કહ્યું નહોતું. પોતાના મનમાં આ પીડા દબાવી રાખ્યા બાદ આખરે મોટા થયા પછી તેમણે પરિવાર સાથે આ વાત શેર કરી હતી. સોહેલ ખાને આ ખુલાસો રિયાલિટી શો ‘અલાયન્સ’ દરમિયાન કર્યો હતો. શોમાં આ અઠવાડિયે તેમની ટીમ લીડરબોર્ડમાં પ્રથમ સ્થાને રહી હતી. જીતની ખુશી વચ્ચે તમામ સ્પર્ધકો હળવા મૂડમાં એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન અર્સલાન ગોની, અલી ગોની અને રૂહી દોસાની સાથે વાત કરતાં સોહેલે પોતાના બાળપણની આ દુઃખદ ઘટના વિશે ખુલાસો કર્યો.
વાતચીત દરમિયાન રેગિંગ અને વ્યક્તિગત અનુભવો અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે સોહેલ ખાને કહ્યું કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમની સાથે જાતીય સતામણી થઈ હતી. આ ઘટનાએ તેમના મન પર ઊંડી અસર કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે તેઓ એટલા નાના હતા કે શું કરવું અને કોને કહેવું તે સમજાતું નહોતું. આ કારણે તેમણે વર્ષો સુધી આ વાત પોતાના મનમાં જ દબાવી રાખી હતી. સોહેલે જણાવ્યું કે ઘણા વર્ષો બાદ જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમણે પોતાના પિતા સાથે આ ઘટના અંગે વાત કરી હતી. તેમના પિતાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે, “તું આટલા વર્ષો સુધી આ વાત કેમ છુપાવી રાખી?” ત્યારે સોહેલ પાસે તેનો કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. તેમણે કહ્યું કે તેમની કોઈ ભૂલ ન હોવા છતાં તેમને અંદરથી શરમ અનુભવાતી હતી. કદાચ એ જ કારણ હતું કે તેઓ આ ઘટના વિશે કોઈની સામે બોલી શક્યા નહોતા.
સોહેલ ખાને પોતાના અનુભવ પરથી કહ્યું કે ઘણી વખત આવા બનાવોના ભોગ બનેલા લોકો પોતાની કોઈ ભૂલ ન હોવા છતાં પોતાને જ જવાબદાર માનવા લાગે છે. સમાજ શું વિચારશે અથવા લોકો કેવી પ્રતિક્રિયા આપશે, તે ડરના કારણે તેઓ વર્ષો સુધી ચૂપ રહે છે. તેમણે સ્વીકાર્યું કે આજે પણ આવા ઘણા લોકો હશે, જે પોતાની પીડા કોઈની સાથે વહેંચી શકતા નથી. સોહેલનો આ ખુલાસો સાંભળીને શોમાં હાજર અન્ય સ્પર્ધકો પણ ભાવુક બની ગયા હતા. ઘણા લોકોએ તેમની હિંમતની પ્રશંસા કરી અને કહ્યું કે આવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરવાથી સમાજમાં જાગૃતિ આવે છે અને અન્ય પીડિતોને પણ પોતાની વાત કહેવાની હિંમત મળે છે.
આ જ એપિસોડ દરમિયાન સોહેલ ખાને પોતાના પરિવાર વિશે પણ ખુલ્લેઆમ વાત કરી હતી. તેઓ પરિવારને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. શોના હોસ્ટ કુણાલ ખેમુ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે પરિવારથી દૂર રહેવાનો અનુભવ તેમના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો છે. તેમણે સ્વીકાર્યું કે તેઓ પોતાના પરિવારને ખૂબ જ યાદ કરે છે. સોહેલે વધુમાં જણાવ્યું કે તેમણે અગાઉ ઘણા રિયાલિટી શોમાં હોસ્ટ અને જજ તરીકે કામ કર્યું છે. પરંતુ આ વખતે પ્રથમ વખત એક સ્પર્ધક તરીકે ભાગ લેવાનો અનુભવ સંપૂર્ણપણે અલગ રહ્યો છે. તેમણે કહ્યું કે પહેલાં તેઓ માત્ર સ્પર્ધકોને જોતાં હતા, પરંતુ હવે પોતે સ્પર્ધક બન્યા બાદ સમજાયું કે દરેક સ્પર્ધક પર કેટલું માનસિક અને ભાવનાત્મક દબાણ હોય છે.
તેમણે કહ્યું કે આ શોમાં ભાગ લીધા બાદ તેમને જીવન વિશે ઘણી નવી બાબતો શીખવા મળી છે. પોતાના 55 વર્ષના જીવનમાં જે શીખવા ન મળ્યું હોય, તે આ થોડા દિવસોના અનુભવમાં શીખવા મળ્યું છે. જીવનમાં ધીરજ, ટીમવર્ક અને લાગણીઓને સમજવાનું મહત્વ આ શોએ તેમને સમજાવ્યું છે. આ રિયાલિટી શોની વધુ એક ખાસ વાત એ છે કે તેમાં સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહ પણ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે જોડાઈ છે. સીમાની એન્ટ્રી બાદ બંને વચ્ચેની વાતચીત અને બોન્ડિંગે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ષો પહેલા બંનેના લગ્નજીવનનો અંત આવ્યો હોવા છતાં તેઓ આજે પણ એકબીજા પ્રત્યે સન્માન અને સમજણ ધરાવે છે.
શોમાં સીમાનું સ્વાગત કરતાં સોહેલ ખાને ખૂબ જ ભાવુક શબ્દોમાં કહ્યું કે, “મેં આ સુંદર મહિલા સાથે મારા જીવનના 25 વર્ષ વિતાવ્યા છે. જો અમારા સંબંધમાં કોઈ ભૂલ થઈ હોય તો તેની જવાબદારી હું સ્વીકારું છું.” સોહેલના આ નિવેદનની સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોએ તેમની પરિપક્વતા અને સંબંધો પ્રત્યેના સકારાત્મક અભિગમની પ્રશંસા કરી છે. સોહેલ ખાનના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો તેમની હિંમતને બિરદાવી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે બાળપણમાં થયેલા જાતીય શોષણ જેવા ગંભીર મુદ્દાઓ પર જાણીતી હસ્તીઓ ખુલ્લેઆમ બોલશે તો સમાજમાં જાગૃતિ વધશે અને પીડિતોને પણ આગળ આવી પોતાની વાત કહેવાનો આત્મવિશ્વાસ મળશે. સમયસર પરિવાર, મિત્રો અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરવાથી માનસિક ભાર ઓછો થઈ શકે છે અને યોગ્ય મદદ પણ મળી શકે છે.