Business

એક વાત વિચારવા જેવી

એક દિવસ ઘણી બધી રીલ્સ જોતાં જોતાં એક રીલ જોઇને દેવાંગે નક્કી કર્યું કે હું આ રીલમાં સમજાવ્યા પ્રમાણે જીવનને બદલી નાખતી આદતો અપનાવવાનું શરૂ કરીશ. દેવાંગનો નિર્ણય દૃઢ હતો. તેણે નક્કી કર્યું કે આજથી હું રોજ સવારે જે જે સામે મળે, બધાને સામેથી સ્માઈલ આપીશ અને ગુડ મોર્નિંગ કહીશ. દેવાંગે શરૂ કર્યું. સવારે દૂધવાળાને, લીફટ મેનને, બાજુમાં કામ કરતી કમળાને, રસ્તામાં સામે મળેલા અંકલને, વોચમેનને સ્માઈલ આપી અને ગુડમોર્નિંગ કહ્યું …બધા ખુશ થયાં.

દૂધવાળાએ કહ્યું, ‘‘રામ રામ સાહેબ….લીફ્ટમેને કહ્યું, ‘‘વેરી ગુડ મોર્નિંગ સર.’’ કમળા તો હસીને શરમાઈને ચાલી ગઈ…અંકલ બોલ્યા ‘‘ગુડ મોર્નિંગ આજે ખુશમાં છે …’’ વોચમેને સામે સલામ મારી. દેવાન્ગને પણ સારું લાગ્યું અને બધાને ગમ્યું…દેવાંગ આગળ ગયો.અજાણ્યા રિક્ષાવાળા સામે હસ્યો અને ગુડ મોર્નિંગ કહ્યું, રીક્ષાવાળો હસીને સામેથી બોલ્યો,  ‘‘ક્યાં જવું છે સાહેબ?’’ દેવાંગને થયું, સાચે એક સ્માઈલ અને ગુડ મોર્નિંગ કહેવામાં પણ ઘણી તાકાત છે.

આપનો અને સામેવાળાનો મૂડ બદલી શકે છે. દેવાંગની સવાર સુધરી ગઈ…તેણે આ રોજ જીવનમાં વણી લેવાનું નક્કી કરી લીધું. બીજે દિવસે સવારે બધાને સ્માઈલ આપી ગુડ મોર્નિંગ કહેતો દેવાંગ નીકળ્યો …પહેલે માળે રહેતા ભાઈ લીફ્ટમાં સાથે થઇ ગયા. દેવાંગે ગુડ મોર્નિંગ કહ્યું અને સ્માઈલ આપી પણ પેલા ભાઈ બોલ્યા, ‘‘ભાઈ, એવું તે શું છે, સારું છે આ સવારમાં માથું ન ખાવ…’’ જવાબ સાંભળી દેવાંગને આંચકો લાગ્યો.. પણ હશે તેમનો મૂડ સારો નહિ હોય તેમ વિચારી તે જે સામે મળે તેને સ્માઈલ આપી ગુડ મોર્નિંગ કહેતો આગળ વધી ગયો. દેવાંગ આ આદત અપનાવી બહુ ખુશ હતો.

પરંતુ અઠવાડિયામાં ચાર વાર પેલા પહેલે માળ પર રહેતા ભાઈ લીફ્ટમાં સાથે થઈ જતાં દેવાંગ સ્માઈલ આપી ગુડ મોર્નિંગ કહેતો પણ જવાબમાં પેલા ભાઈ કંઈ એલફેલ બોલીને વાંકો જવાબ જ આપતા. આવું ઘણી બધી વાર થતાં લીફ્ટમેનથી ન રહેવાતાં તેણે પહેલો માળ આવતાં પહેલાં કહ્યું, ‘‘દેવાંગ સર, તમે શું કામ પેલા ભાઈને સ્માઈલ આપી ગુડ મોર્નિંગ કહો છો, તે હંમેશા ખરાબ વર્તન કરે છે.આજે જો તેઓ હોય તો કંઈ નહિ કહેતા.’’ દેવાંગ કંઈ ન બોલ્યો. ખાલી હસ્યો. પેલા ભાઈ આવ્યા. રોજની જેમ ગુસ્સામાં જ હતા.

લીફ્ટમાં પ્રવેશતાં જ લીફટમેનને ખીજાયા.  દેવાંગે સ્માઈલ આપી ગુડ મોર્નિંગ કહ્યું, તેને પણ બોલ્યા, ‘‘તારી મોર્નિંગ ગુડ હશે, મારી નથી સમજ્યો…’’ દેવાંગ ચુપચાપ જે સામે મળે તેને સ્માઈલ આપતો ગુડ મોર્નિંગ કહેતો આગળ વધી ગયો. લીફ્ટમેન દોડીને પાછળ આવ્યો અને બોલ્યો, ‘‘સર, તમે શું કામ આ ભાઈને ગુડમોર્નિંગ કહ્યું?’’ દેવાંગ હસીને બોલ્યો, ‘‘ભાઈની ખરાબ બોલવાની રીત તેમની ખરાબ આદત છે પણ હું તેને માટે મારી આ સારી આદત શું કામ છોડું?’’ લીફ્ટમેનને વિચાર કરતો મૂકી હસતો હસતો દેવાંગ આગળ વધી ગયો.

Most Popular

To Top