ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં આજે પણ અડધાથી વધુ ખેતી સીધી રીતે આકાશી વરસાદ એટલે કે ચોમાસા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં જો ચોમાસું રૂઠે, તો માત્ર ખેડૂત જ નહીં પરંતુ આખા દેશનું આર્થિક તંત્ર ખોરવાઈ જાય છે. હવામાન વિભાગ (IMD) અને વૈશ્વિક સંસ્થાઓના તાજેતરના અહેવાલો મુજબ, વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ ભારતીય ખેતી અને ખેડૂતો માટે અત્યંત કપરાં સાબિત થવાના સંકેતો મળી રહ્યા છે.
ખેડ, ખાતર અને પાણી, નસીબને લાવે તાણી… ખેડૂત માટે તો કહેવત છે કે: ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને બાકી વધે તે ખેડૂતને ભાગે જાય! ૨૦૨૬ અને ૨૦૨૭નાં આગામી બે વર્ષો ભારતીય ખેતી અને જગતના તાત એવા ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક અને કપરાં સાબિત થઈ શકે છે, કારણ કે કુદરત આ વખતે ભારતીય ચોમાસા પર બેવડો પ્રહાર કરવાની તૈયારીમાં છે.
સામાન્ય રીતે ભારતમાં ચોમાસું દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા મોસમી પવન દ્વારા આવે છે, જેમાં ઉનાળા દરમિયાન ભારતની ધરતી પર રચાતા નીચા દબાણના પટ્ટા તરફ હિંદ મહાસાગર અને અરબી સમુદ્રના ભેજવાળો પવન આકર્ષાય છે. ૧ જૂન આસપાસ કેરળના કિનારે ટકરાયા બાદ આ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે શાખાઓમાં વહેંચાઈને જુલાઈના મધ્ય સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. પરંતુ વર્ષ ૨૦૨૬માં આ કુદરતી ચક્ર ખોરવાય તેવી ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે, કારણ કે ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટેનો વરસાદનો અંદાજ ઘટાડીને લોન્ગ પિરિયડ એવરેજ (LPA)ના માત્ર ૯૦% કરી દેવાયો છે, જે સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ દર્શાવે છે.
આ નબળા ચોમાસા પાછળનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલું ‘સુપર અલ નીનો’નું જોખમ છે. સ્પેનિશ ભાષામાં ‘અલ નીનો’નો અર્થ ‘નાનું બાળક’ થાય છે, જે વાસ્તવમાં ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થવાની એક જટિલ ભૌગોલિક ઘટના છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે અલ નીનો સક્રિય થાય છે, ત્યારે તે વૈશ્વિક પવનની પેટર્ન બદલી નાખે છે અને ભારતમાં ચોમાસાને નબળું પાડીને દુષ્કાળ જેવી સ્થિતિ પેદા કરે છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાં ૨૦૦૨, ૨૦૦૯ અને ૨૦૧૫માં પડેલા ભયંકર દુષ્કાળ તેમજ પાક નિષ્ફળ જવાની ઘટનાઓ આ અલ નીનોને કારણે જ થઈ હતી; તાજેતરમાં ૨૦૨૩માં પણ તેના કારણે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહ્યો હતો.
વર્ષ ૨૦૨૬ના ઉત્તરાર્ધમાં વૈશ્વિક હવામાન મોડલ્સ એક અત્યંત શક્તિશાળી ‘સુપર અલ નીનો’ વિકસિત થવાની કડક ચેતવણી આપી રહ્યા છે, જેના કારણે મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને ગુજરાત સહિતના ઉત્તર-પશ્ચિમ ભારતના મુખ્ય કૃષિ વિસ્તારોમાં ભારે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સંકટની શરૂઆત જૂન મહિનાથી જ દેખાવા લાગી છે, જ્યાં ચોમાસાના આગમનમાં વિલંબની સાથે દેશભરમાં આકરા હીટવેવ (લૂ) નો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
આ ભયાનક હવામાનની સીધી અને ઘાતક અસર ભારતીય ખેતી અને દેશના ગ્રામીણ અર્થતંત્ર પર પડવાની પૂરેપૂરી આશંકા છે. ભારતમાં અડધાથી વધુ ખેતી સીધી રીતે વરસાદ પર નિર્ભર હોવાથી, ડાંગર (ચોખા), કપાસ, મકાઈ, સોયાબીન અને મગફળી જેવા મુખ્ય ખરીફ પાકનું વાવેતર કાં તો બહુ મોડું થશે અથવા પાણીના અભાવે ઊભો પાક સુકાઈ જશે જેને લીધે ખેતીનું ધનોતપનોત નીકળી શકે છે.
ચોમાસાની આ તંગી માત્ર ખરીફ પાક પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ઓછો વરસાદ થવાને કારણે દેશનાં મોટાં જળાશયો અને ડેમોમાં પાણીનું સ્તર ઘટી જશે, જેની સીધી નકારાત્મક અસર આગામી શિયાળુ (રવિ) પાકની સિંચાઈ પર પણ પડશે. પાક નિષ્ફળ જવાથી અને ઉત્પાદન ઘટવાથી બજારમાં અનાજ, કઠોળ અને શાકભાજીની ભારે અછત સર્જાશે જે દેશમાં ખાદ્ય મોંઘવારી (Food Inflation)ને આકાશે પહોંચાડશે. ખેડૂતોની આવક તળિયે બેસી જવાને કારણે ગ્રામીણ બજારોમાં ખરીદશક્તિ અને માંગ સાવ નબળી પડી જશે, જે આખરે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિને પણ ધીમી પાડી દેશે.
આવાં ગંભીર આર્થિક અને સામાજિક સંકટનાં એંધાણ હોવા છતાં, આ વિકટ પરિસ્થિતિ વચ્ચે કુદરત તરફથી આશાનું એકમાત્ર કિરણ હિંદ મહાસાગરમાં સર્જાતો ‘પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ’(Positive IOD) છે, જે જો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મજબૂત બને તો અલ નીનોની નકારાત્મક અસરોને કંઈક અંશે કાપી શકે છે. તેમ છતાં, માત્ર નસીબના ભરોસે બેસી રહેવાને બદલે કૃષિ મંત્રાલય અને સરકારે અત્યારથી જ જિલ્લા સ્તરે કટોકટી આયોજન (Contingency Plans) સાથે યુદ્ધના ધોરણે મેદાને આવવું પડશે. આ માટે ખેડૂતોને ડાંગર કે શેરડી જેવા વધુ પાણી માગતા પાકને બદલે ઓછા પાણીમાં થતા જાડા ધાન્ય (બાજરી, જુવાર જેવા મિલેટ્સ) અને દુષ્કાળ સામે ટકી શકે તેવાં ખાસ સંશોધિત બિયારણોના ઉપયોગ તરફ વાળવા પડશે તેમજ ટપક સિંચાઈ (Drip Irrigation)ને ફરજિયાત બનાવવી પડશે.
૨૦૨૬-૨૭નું વર્ષ ભારતીય કૃષિ જગત માટે માત્ર કુદરતી કસોટીનું નથી, પરંતુ આપણી આયોજન શક્તિની પણ પરીક્ષા છે. ચોર, મોર અને ઢોર જેવી આફતો સામે લડતો દેશનો ખેડૂત જો આ વખતે ‘સુપર અલ નીનો’ના કારણે ભાંગી પડશે, તો તેની સીધી અસર દેશની આર્થિક કરોડરજ્જુ પર પડશે. ભારતનાં સરકારી ગોદામોમાં અનાજનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ હોવાથી દેશની એકંદર ખાદ્ય સુરક્ષા પર મોટો ખતરો નથી, પરંતુ જો કરોડો ખેડૂતોની આજીવિકા અને ગ્રામીણ ભારતને બરબાદીમાંથી બચાવવું હશે, તો શાસકો અને ખેડૂતો બંનેએ જાગૃત થઈને અત્યારથી જ પાણીના કાર્યક્ષમ વ્યવસ્થાપનના આગોતરા પગલાં લેવાં જ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.