World

ગેરકાયદે પ્રવાસીઓ મુદ્દે ભારત-બાંગ્લાદેશ આમને-સામને, 4000 કિલોમીટર લાંબી સરહદ પર નવા વિવાદની એન્ટ્રી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ પર ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. બાંગ્લાદેશે ભારત પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે ભારતીય સુરક્ષા દળો ગેરકાયદે પ્રવાસીઓને જબરદસ્તીથી બાંગ્લાદેશની સરહદમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આરોપો બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સુરક્ષા સંબંધિત ચર્ચાઓ ફરી કેન્દ્રસ્થાને આવી ગઈ છે. બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ (BGB)ના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ અનેક વખત લોકોને સરહદ પાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. BGBએ દાવો કર્યો છે કે સરહદના વિવિધ વિસ્તારોમાં આવા ઓછામાં ઓછા 10 પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેને તેમના જવાનોએ નિષ્ફળ બનાવ્યા છે. બાંગ્લાદેશનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય નિયમો અને બંને દેશો વચ્ચેના કરારોની ભાવનાના વિરુદ્ધ છે. બંને દેશો છેલ્લા કેટલાક મહિનાથી સંબંધોમાં સુધારો લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસ કરી રહ્યા હતા. બાંગ્લાદેશના નિવેદનોથી આ પ્રયાસોને ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 4000 કિલોમીટરથી વધુ લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે વિશ્વની સૌથી લાંબી જમીની સરહદોમાંની એક ગણાય છે. આ સરહદ નદીઓ, જંગલો, પર્વતીય વિસ્તારો અને વસાહતોમાંથી પસાર થતી હોવાથી તેની સુરક્ષા જાળવવી બંને દેશો માટે હંમેશાં પડકારરૂપ રહી છે. ઘૂસણખોરી, તસ્કરી અને ગેરકાયદે અવરજવર જેવા મુદ્દાઓ વર્ષોથી બંને દેશો વચ્ચે ચર્ચાનો વિષય રહ્યા છે. બાંગ્લાદેશના આરોપો અંગે ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તેમજ વિદેશ મંત્રાલયે આ મામલે મૌન જાળવ્યું છે. જોકે, ભારતના સરહદી રાજ્યો પશ્ચિમ બંગાળ, અસમ અને ત્રિપુરામાં ગેરકાયદે ઘૂસણખોરીનો મુદ્દો લાંબા સમયથી રાજકીય અને સુરક્ષાકીય ચર્ચાઓનો કેન્દ્ર રહ્યો છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે BGBએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ વ્યક્તિને ગેરકાયદે રીતે બાંગ્લાદેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બોર્ડર ગાર્ડે જણાવ્યું છે કે જો કોઈ પણ પ્રકારનો ‘પુશ-ઇન’ કરવાનો પ્રયાસ થશે તો તેનો કડક વિરોધ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ભારત અગાઉ બાંગ્લાદેશ સરકારને ભારતમાં રહેતા આશરે 2860 શંકાસ્પદ લોકોની નાગરિકતા ચકાસવા માટે વિનંતી કરી ચૂક્યું છે. ભારતનું માનવું છે કે આ લોકો ગેરકાયદે રીતે દેશમાં રહે છે અને તેમની ઓળખ સ્પષ્ટ થવી જરૂરી છે. જોકે, બાંગ્લાદેશનું કહેવું છે કે આવા કેસોમાં આંતરરાષ્ટ્રીય નિયમો અને સત્તાવાર રાજદ્વારી પ્રક્રિયાઓનું પાલન થવું જોઈએ. ઢાકાએ વારંવાર ભાર મૂક્યો છે કે જો કોઈ વ્યક્તિ ખરેખર બાંગ્લાદેશી નાગરિક હોય અને ગેરકાયદે રીતે અન્ય દેશમાં રહેતી હોય, તો તેને સત્તાવાર પ્રક્રિયા અને દ્વિપક્ષીય વ્યવસ્થા દ્વારા જ પરત મોકલવી જોઈએ. સરહદ પરથી સીધા લોકોને ધકેલી દેવાની રીત કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

વધતા તણાવને ધ્યાનમાં રાખીને હવે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે. 8 થી 11 જૂન દરમિયાન દિલ્હીમાં BSF અને BGBના મહાનિર્દેશક સ્તરની બેઠક યોજાશે. આ બેઠકમાં સરહદ વ્યવસ્થાપન, ગેરકાયદે ઘૂસણખોરી, માનવ તસ્કરી અને કથિત ‘પુશ-ઇન’ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે આ બેઠક બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડવામાં અને સરહદ સંબંધિત મુદ્દાઓના ઉકેલ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કારણ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ વેપાર, કનેક્ટિવિટી અને પ્રાદેશિક સ્થિરતા માટે પણ અત્યંત મહત્વના ગણાય છે.

Most Popular

To Top