Sports

RCBને 5 દિવસનો આરામ, ગુજરાતને પ્રવાસનો થાક; ગાવસ્કરે કહ્યું, શું આ અન્યાય નથી?

IPL 2026ની ફાઇનલ પૂર્ણ થયા બાદ હવે એક નવો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને જાણીતા કોમેન્ટેટર સુનિલ ગાવસ્કરે ટુર્નામેન્ટના આયોજન પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે ગુજરાત ટાઇટન્સ (GT) સાથે અન્યાય થયો હતો. તેમના મતે, ફાઇનલ મેચને રવિવારના બદલે સોમવારે ઉપલબ્ધ રિઝર્વ ડે પર રમાડવી જોઈએ હતી જેથી બંને ટીમોને સમાન તૈયારી અને આરામનો સમય મળી શકે.આ સમગ્ર વિવાદની શરૂઆત ફાઇનલ પહેલાં ગુજરાત ટાઇટન્સને થયેલી મુસાફરીની મુશ્કેલીઓથી થઈ હતી. ગુજરાતે શુક્રવારે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ ટીમને ચંદીગઢથી અમદાવાદ પહોંચવાનું હતું. પરંતુ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે તેમની ચાર્ટર્ડ ફ્લાઇટમાં ભારે વિલંબ થયો હતો. ફ્લાઇટ સમયસર ઉડી શકી નહોતી અને લાંબી રાહ બાદ ગુજરાતની ટીમ શનિવારે મોડી રાત્રે લગભગ 10:45 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. એરપોર્ટથી હોટેલ સુધી પહોંચતા ખેલાડીઓ માટે લગભગ અડધી રાત થઈ ગઈ હતી. પરિણામે ફાઇનલ પહેલાં ટીમને આરામ, રિકવરી અને પ્રેક્ટિસ માટે પૂરતો સમય મળ્યો નહોતો.

ગાવસ્કરનું માનવું છે કે આ પરિસ્થિતિમાં ગુજરાતના ખેલાડીઓ શારીરિક અને માનસિક રીતે થાકેલા હતા. તેમણે કહ્યું કે મુસાફરી દરમિયાન અનિશ્ચિતતા ખેલાડીઓના મન પર પણ અસર કરે છે. જ્યારે તમને ખબર જ ન હોય કે ફ્લાઇટ ક્યારે ઉડશે, ત્યારે ચિંતા અને બેચેની વધે છે. આવી સ્થિતિમાં ફાઇનલ જેવી મોટી મેચ રમવી સરળ નથી. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને આ બાબતમાં મોટો ફાયદો મળ્યો હતો. ક્વોલિફાયર-1 જીત્યા બાદ RCBની ટીમ મંગળવારથી જ અમદાવાદમાં હતી. એટલે કે તેમને ફાઇનલ પહેલાં લગભગ પાંચ દિવસનો સમય મળ્યો હતો. આ દરમિયાન ખેલાડીઓએ આરામ કર્યો, પ્રેક્ટિસ કરી અને ફાઇનલ માટે સંપૂર્ણ તૈયારી કરી શક્યા હતા. એક ઇન્ટરવ્યુ દરમિયાન ગાવસ્કરે કહ્યું કે જ્યારે ટૂર્નામેન્ટમાં પહેલેથી જ રિઝર્વ ડે ઉપલબ્ધ હતો, ત્યારે આ અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાઇનલ મેચને એક દિવસ માટે આગળ ધપાવી શકાય તેમ હતું. તેમના મતે, આવું કરવાથી બંને ટીમોને સમાન તક મળી હોત અને સ્પર્ધાની નિષ્પક્ષતા જળવાઈ રહેતી.

ગાવસ્કરે માત્ર આ ઘટનાની જ નહીં, પરંતુ પ્લેઓફની મેચો અલગ-અલગ શહેરોમાં ગોઠવવાના નિર્ણયની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ભવિષ્યમાં IPL આયોજકોએ શેડ્યુલ બનાવતી વખતે વધુ લવચિકતા રાખવી જોઈએ જેથી આવી પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ શકાય. રસપ્રદ વાત એ છે કે RCBના કેપ્ટન રજત પાટીદારે પણ સ્વીકાર્યું હતું કે તેમની ટીમને ક્વોલિફાયર-1 બાદ તૈયારી અને આરામ માટે ઘણો સમય મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ચોક્કસપણે એક વધારાનો ફાયદો હતો. જોકે, તેમણે સાથે એ પણ ઉમેર્યું હતું કે ફાઇનલમાં બંને ટીમો મજબૂત હતી અને પરિણામ મેદાન પરના પ્રદર્શન પર આધારિત રહેશે.

અંતે ફાઇનલ મેચ નિર્ધારિત સમયપત્રક મુજબ રવિવારે જ રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સ પ્રવાસના થાક સાથે મેદાનમાં ઉતરી હતી, જ્યારે RCB સંપૂર્ણ તૈયારી સાથે રમવા આવી હતી. મેચમાં બેંગલુરુએ શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતને હરાવ્યું અને સતત બીજી વખત IPL ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો. જો કે ટુર્નામેન્ટ પૂર્ણ થયા પછી પણ ગાવસ્કરના નિવેદને નવી ચર્ચા જગાવી છે. ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો વચ્ચે હવે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે શું ખરેખર ગુજરાત ટાઇટન્સને સમાન તક મળી હતી કે નહીં.

Most Popular

To Top