દર ઉનાળે તાપમાન અવનવા વિક્રમ બનાવે છે. દાવાનળની ઘટનાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. સમુદ્રજળનું સ્તર વધી રહ્યું છે. આત્યંતિક હવામાનના પરચા વારંવાર જોવા મળે છે, જેની વિપરીત અસર ખેતી પર તેમજ સૌની દિનચર્યા પર થાય છે. આમ, જળવાયુ સંબંધિત જોખમ સતત વધતાં રહ્યાં છે છતાં, તેને લગતા સમાચારનું પ્રમાણ ઘટતું રહ્યું હોવાના અહેવાલ છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોની ‘મીડિયા એન્ડ ક્લાઈમેટ ચેન્જ ઓબ્ઝર્વેટરી’ વિશ્વભરના સમાચારસ્રોતોમાં જળવાયુ સંબંધિત સમાચારોના પ્રસાર પર નજર રાખે છે. આ સંસ્થાના અહેવાલ અનુસાર વર્ષ 2025માં સતત ચોથા વર્ષે જળવાયુ સંબંધિત સમાચારોમાં ઘટાડો જોવા મળ્યો. નવાઈ લાગે એવી બાબત એ છે કે 2024ની સરખામણીએ 2025ના વર્ષમાં 14 ટકા અને 2021ના વર્ષ કરતાં 38 ટકા ઘટાડો જણાયો.
અને આ ઘટાડો કોઈ એક પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. આફ્રિકા, મધ્ય પૂર્વના દેશો, યુરોપ તેમજ ઉત્તર અમેરિકા એમ બધે જ આ સમાચારોનું પ્રમાણ ઘટી રહ્યું છે. આમ થવાનું કારણ? આ અહેવાલના મુખ્ય લેખક મેક્સ બોયકોફના જણાવ્યા અનુસાર આર્થિક દબાણ, પ્રસાર માધ્યમોનું એકીકરણ વગેરે જેવી દેખીતી બાબતો આના માટે જવાબદાર ખરી. સાથોસાથ એ હકીકત છે કે જળવાયુ પરિવર્તન હવે કેવળ વિજ્ઞાન પૂરતો મર્યાદિત મુદ્દો રહ્યો નથી. હવે તે રાજનીતિ, સમાજ અને અર્થવ્યવસ્થા સાથે ગાઢ રીતે સંકળાયેલો મહત્ત્વનો અને સંવેદનશીલ વિષય બની ચૂક્યો છે. આમ હોવા છતાં, તેના ને રાજનીતિ અને અન્ય મુદ્દાઓ હાવી થઈ રહ્યા છે. પ્રસાર માધ્યમોનાં સંસાધનોનો અભાવ અને કાપ વગેરે પણ આમાં ભાગ ભજવે છે. બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે વાચકોને આ જ સમાચાર વારેવારે વાંચવાનો ‘થાક’ અનુભવાય છે એટલે તેમની રુચિ ઘટી રહી છે. આ વિષયના સતત થઈ રહેલા રાજકીયકરણને કારણે પણ પત્રકારો તેના વિશે લખતાં ખચકાય છે.
આ વિષય અત્યાર સુધી વિશેષજ્ઞો પૂરતો મર્યાદિત હતો. પણ લોકો કંઈ આવા અભ્યાસનાં સંશોધનપત્રો વાંચે નહીં. તેઓ અખબાર, ટી.વી. અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી પોતાની સમજણનું ઘડતર કરે છે. આથી આવાં પ્રસાર માધ્યમો જળવાયુની કટોકટી વિશે પૂરતી વાત ન કરે, તેનાં વિવિધ પાસાંની ચર્ચા ન કરે તો એ હકીકત સમજવી મુશ્કેલ બની રહે છે કે હવે આ સંકટ કોઈ દૂરના દેશમાં કે ભવિષ્યમાં નહીં, પણ આપણા રોજબરોજના જીવન પર, આજીવિકા પર અને ભાવિ પર કેટલી ઘેરી અસર કરી રહ્યું છે.
કેવી વક્રતા કે એક તરફ આવા સમાચારોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, તો બીજી તરફ આ સંકટ વધુ ઘેરું અને વાસ્તવિકતા વધુ ભયાનક થઈ રહી છે. છેલ્લાં ચાર વર્ષોમાં અશ્મિજન્ય ઈંધણથી થતા ઉત્સર્જનનું પ્રમાણ સતત નવો વિક્રમ સર્જી રહ્યું છે. વીત્યાં ત્રણ વર્ષો ઈતિહાસનાં સૌથી ગરમ વર્ષો હતાં. ઔદ્યોગિક યુગની તુલનાએ તાપમાન દોઢ અંશ સેલ્સિયસ વધી ચૂક્યું છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આ તાપમાન દોઢ અંશ સેલ્સિયસથી વધે તો આપણી પૃથ્વી ખતરનાક ‘ટીપીંગ પોઈન્ટ્સ’ તરફ આગળ વધી શકે છે.
‘ટીપીંગ પોઈન્ટ્સ’ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં નાનામાં નાનો ફેરફાર સુધ્ધાં મોટી દુર્ઘટનાને નોંતરી શકે. આથી હવે જરૂર છે પરંપરાગત ઊપાયોને બદલે લોકો સુધી પહોંચવાના નવા ઉપાયો શોધવાની. કેવળ સંશોધનપત્રો અને ટેક્નિકલ પરિભાષા પૂરતાં નહીં થઈ રહે. વાર્તાઓ, વિડીયો, નાટક, વિડીયો, કાર્ટૂન, કળા, હાસ્ય એવાં લોકભોગ્ય માધ્યમો દ્વારા લોકો સાથે સંવાદ સાધવો પડશે, જેથી લોકો આ સંકટની તીવ્રતા અને ગંભીરતા સમજી શકે.
સામાન્ય લોકોના જીવનમાં અમસ્તાય ટકી રહેવાના સંઘર્ષ એટલા હોય છે કે આવી બધી બાબત પોતાને પણ લાગુ પડે એનો તેમને અણસાર સુધ્ધાં હોતો નથી. તો સંપન્ન લોકો માટે આ મુદ્દો પ્રાથમિકતામાં આવતો નથી. કોઈ પણ વ્યક્તિ દ્વારા કરાતી ગમે એવી સામાજિક કે જાહેર ઉજવણી પર્યાવરણ પર વિપરીત અસર કરે છે, જેની સીધી અસર જળવાયુ પરિવર્તન પર થતી હોય છે. તહેવારો દરમિયાન ફેલાતા પ્રદૂષણની માત્રા ઓછી હોય એમ ચૂંટણીટાણું આવે એટલે પ્રચારનાં વિવિધ નુસખા થકી અઢળક પ્રદૂષણ ફેલાતું હોય છે. એકે રાજકીય નેતા કે પક્ષની પ્રાથમિકતામાં આ બાબત આવતી નથી.
હજી વિવિધ માધ્યમોમાં રાજકારણ, મનોરંજન, સામાજિક ગપસપ વગેરે વધુ પ્રમાણમાં જગ્યા રોકે છે. એમાં પણ રાજકારણ અને મનોરંજન ક્ષેત્રના સમાચારો મોટે ભાગે સુઆયોજિત પ્રચારના ભાગ તરીકે ફેલાવાતા હોય છે. વિવિધ પક્ષોના સુશાસનના મુદ્દામાં ક્યાંય પર્યાવરણની સમસ્યાઓનો ઊલ્લેખ જોવા મળતો નથી. જોવા મળે તો પણ કેવળ નામ પૂરતો. ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તેના અહેવાલ ચમકે, અને એ પણ મોટે ભાગે તેનાથી થયેલા જાનમાલના નુકસાનના. તેના અસલ કારણ વિશેની વાત ભાગ્યે જ થતી જોવા મળે છે. જાનમાલના નુકસાનના સમાચાર પણ રાજકારણપ્રેરિત હોય છે.
જળવાયુ સંકટ એવી ગંભીર પરિસ્થિતિ છે કે એ જેમ નાનામોટા દરેકને અસર કરે છે, એમ નાનોમોટો દરેક માણસ એના માટે કારણભૂત અને જવાબદાર પણ હોય છે. ભયાનક દેખાતી ભાવિની આ શક્યતા હવે ભયાનક વર્તમાન બની ગઈ છે અને આપણા ઘરનો દરવાજો ખટખટાવી રહી છે. છતાં તેના વિશે ભાગ્યે જ વાત થાય એ કેવી વક્રતા! ભગવાન કૃષ્ણે જેમ પોતાના વંશનો વિનાશ લાચાર બનીને નિહાળ્યો એવી જ સ્થિતિ આપણા સૌની થાય એ કંઈ કલ્પના કે અતિશયોક્તિયુક્ત આગાહી નથી. એ ચાલુ વર્તમાનકાળ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.