Gujarat

સુરતના IOC પંપો પર પેટ્રોલ ખલાસ

વડાપ્રધાનની અપીલ બાદ લોકોમાં ભય,અનેક પંપો પર લાંબી કતારો

સુરત શહેરમાં પેટ્રોલ અને ડીઝલને લઈને અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો છે. શહેરના અનેક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) પેટ્રોલ પંપો પર ઇંધણનો સ્ટોક ખૂટતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાંદેર, અડાજણ, પીપલોદ, ઉધના, તલંગપુરા, વરાછા અને કતારગામ સહિતના વિસ્તારોમાં આવેલા અનેક પેટ્રોલ પંપો પર “પેટ્રોલ ખલાસ”ના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. જેના કારણે વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલાં નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. સાથે જ બિનજરૂરી વાહનવ્યવહાર ટાળવા અને શક્ય હોય ત્યાં સુધી કાર પૂલિંગ તથા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી. જોકે આ અપીલ બાદ લોકોમાં ઇંધણના ભાવમાં વધારો અથવા અછત સર્જાવાની આશંકા ઊભી થઈ હતી.

આ ભયના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોની ટાંકી ફુલ કરાવવા પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં લાંબી લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને IOCના પંપો પર ભારે ભીડ જોવા મળી હતી. અચાનક માંગ વધી જતા કેટલાક પંપો પર સ્ટોક ઝડપથી પૂર્ણ થઈ ગયો હતો અને પંપો થોડા સમય માટે બંધ રાખવાની ફરજ પડી હતી.
ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે ઓઇલ કંપનીઓ સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

ઇન્ડિયન ઓઇલ દ્વારા વધારાનો સ્ટોક મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી આગામી દિવસોમાં સ્થિતિ સામાન્ય બની શકે.બીજી તરફ BPCL અને HPCLના પેટ્રોલ પંપો પર પણ વાહનચાલકોની ભીડ વધી ગઈ હતી. પેટ્રોલિયમ કંપનીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂર મુજબ જ ઇંધણ ખરીદવાની અપીલ કરી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય વ્યવસ્થા સંપૂર્ણ રીતે ચાલુ છે.

Most Popular

To Top