અમદાવાદ
ગુજરાતની રાજધાની ગાંધીનગર આગામી 10 થી 17 મે, 2026 દરમિયાન એશિયન સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના ભવ્ય આયોજન માટે તૈયાર બની ગઈ છે. તા.12મી એપ્રિલના રોજ તેનું ઉદ્ધાટન થનાર છે. ભારતીય વેઈટલિફ્ટિંગ મહાસંઘ (IWLF) દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે, જેમાં એશિયાના શક્તિશાળી વેઈટલિફ્ટર્સ ભાગ લેશે.આ ચેમ્પિયનશિપમાં કુલ 30 દેશોના 179 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 102 પુરુષ અને 77 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ચીન, જાપાન, સાઉથ કોરિયા, શ્રીલંકા અને સિંગાપોર જેવી મજબૂત ટીમો આ સ્પર્ધામાં પોતાનું દમ બતાવશે. ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ ગેસ્ટ એથ્લેટ્સ તરીકે જોડાશે. કુલ મળીને આશરે 200 જેટલા એથ્લેટ્સ આ ટૂર્નામેન્ટનો ભાગ બનશે.
સ્પર્ધાનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 12 મે, 2026ના રોજ સાંજે 6:30 કલાકે યોજાશે. આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન ઈન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ ડૉ. સહદેવ યાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે આ ચેમ્પિયનશિપ 2026માં ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાયર ઇવેન્ટ તરીકે પણ મહત્વ ધરાવે છે. તેથી ખેલાડીઓ માટે આ સ્પર્ધા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.સાત દિવસીય આ ટુર્નામેન્ટ દરમિયાન દરરોજ વિવિધ વજન શ્રેણીઓમાં મુકાબલા યોજાશે. 48 કિલોથી લઈને 110 કિલોથી વધુ વજનની કેટેગરી સુધીની સ્પર્ધાઓ યોજાનાર છે. દરરોજ બપોરે 12 વાગ્યાથી સ્પર્ધાઓ શરૂ થશે અને મોડી સાંજ સુધી ચાલશે.આ આંતરરાષ્ટ્રીય આયોજનથી ભારતના ઉભરતા વેઈટલિફ્ટર્સને વિશ્વસ્તરીય અનુભવ અને એક્સપોઝર મળશે. સાથે જ ગુજરાત અને ભારતની રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.