Editorial

દેશના સૌથી ધનવાન મુખ્યમંત્રી વિજય થલાપતિએ બીજાની નિષ્ફળતામાંથી પાઠ ભણી સફળતા મેળવી

નિષ્ફળતાના પાઠ ભણીને સફળતા મેળવવી તે પણ એ કળા છે અને આ કળા થકી જ વિજય થલાપતિએ બે વર્ષમાં જ તમિલનાડુના ખેરખાંઓને એકલે હાથે માત આપી છે. તમિલનાડુની રાજનીતિ હંમેશા સિનેમા અને કલ્ટ વ્યક્તિત્વના પ્રભાવ હેઠળ રહી છે. દાયકાઓ સુધી, આ રાજ્યે એમ. જી. રામચંદ્રન (MGR) અને જે. જયલલિતા જેવા સુપરસ્ટાર કલાકારોને રાષ્ટ્રપ્રમુખ જેવું સન્માન આપી મુખ્યમંત્રી પદ સુધી પહોંચાડ્યા છે. પરંતુ છેલ્લા સાડા ત્રણ દાયકાથી આ પરંપરા પર વિરામ લાગી ગયો હોય તેમ લાગતું હતું. રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો પણ રાજકારણમાં એવો જાદુ ન ચલાવી શક્યા જેવો તેમની ફિલ્મોમાં હતો. આવા સમયમાં, 2024 માં જ્યારે જોસેફ વિજય ચંદ્રશેખર, જેઓ તેમના લાખો ચાહકો માટે થલાપતિ વિજય છે, તેમણે અભિનયમાંથી નિવૃત્તિ જાહેર કરી અને રાજકારણમાં પ્રવેશવાની ઘોષણા કરી, ત્યારે આખું તમિલનાડુ સ્તબ્ધ થઈ ગયું. 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે માત્ર એક રાજકીય ઘટના નથી, પરંતુ વિજયના રાજકીય પક્ષ તમિલગા વેત્રિ કઝગમ(TVK)નું પરફોર્મન્સ લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. વિજય માત્ર એક સુપરસ્ટાર ચહેરા તરીકે રાજકારણમાં નથી ઉતર્યા, પરંતુ તેઓ તમિલનાડુના જટિલ રાજકીય સમીકરણોમાં એક નવો, વાસ્તવિક વિકલ્પ બનીને ઉભર્યા છે. તમિલનાડુમાં દ્રવિડ આંદોલનમાંથી નીકળેલા સિદ્ધાંતો આજે સરકારની નીતિઓનો મુખ્ય ભાગ છે. સામાજિક ન્યાય અને દ્રવિડ ઓળખ અહીં સુરક્ષિત છે. જોકે, આજના તમિલ યુવાનોમાં એક નવી પ્રકારની બેચેની જોવા મળી રહી છે. જેને રાજકીય વિશ્લેષકો પોસ્ટદ્રવિડિયન એન્ઝાઇટી (Post-Dravidian Anxiety) કહે છે. આ એ પેઢી છે જેણે દ્રવિડ આંદોલનના સંઘર્ષો જોયા નથી, પરંતુ તેની આડઅસરો અને આધુનિક યુગના પડકારોનો સામનો કરી રહી છે.

આજના યુવાનો સામે અનેક પ્રશ્નો છે જેવા કે દ્રવિડ રાજનીતિ સામાજિક રીતે સફળ રહી, પણ આર્થિક મોરચે હવે આગળ શું? દાયકાઓ સુધી માત્ર બે જ પક્ષો (DMK અને AIADMK) વચ્ચે કેમ પસંદગી કરવી? ઓળખની લડાઈ જીતી લીધી, પણ નોકરીઓ ક્યાં છે? ભ્રષ્ટાચાર કેમ અટકતો નથી? તમિલનાડુના આ યુવા મતદારો હવે પરિવર્તન ઇચ્છી રહ્યા છે. તેઓ એવો નેતા શોધી રહ્યા છે જે જૂના સંઘર્ષોનું સન્માન કરે પણ ભવિષ્યની સમસ્યાઓનો ઉકેલ લાવે. વિજયે આ જ જગ્યા ખાલી જોઈ અને ત્યાં પોતાની પકડ મજબૂત કરી છે. 90ના દાયકાથી સ્ટાર બનેલા વિજય પોતાની ફિલ્મોમાં હંમેશા સિસ્ટમ સામે લડતા ચહેરા તરીકે ઓળખાયા છે. 1994માં તેમના પિતા એસ. . ચંદ્રશેખરની ફિલ્મ રસીગન દ્વારા તેમને ઇલયાથલાપતિ(યુવા નેતા)નું બિરુદ મળ્યું હતું. થુપ્પક્કી’ (2012), થલાઈવા (2013), કત્થી (2014) અને મર્સલ (2017) જેવી ફિલ્મોમાં વિજયે કોર્પોરેટ શોષણ, ખેડૂતોની જમીન, મેડિકલ ભ્રષ્ટાચાર અને સરકારી તંત્ર સામે લડાઈ લડી હતી. આ ફિલ્મો માત્ર મનોરંજન નહોતી, પરંતુ સત્તામાં બેઠેલા પરિવારો અને વારસામાં મળેલી રાજનીતિ પર સીધો પ્રહાર હતો. ડિરેક્ટર એટલીની ફિલ્મ મર્સલ પછી તેમને થલાપતિ(નેતા)નું સત્તાવાર બિરુદ મળ્યું, જેણે તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષા માટે પાયો તૈયાર કર્યો. વિજયે ખૂબ જ શાંતિથી વર્ષો સુધી પોતાનું ફેન બેઝ તૈયાર કર્યું અને તેને સામાજિક કાર્યો સાથે જોડીને એક કેડર જેવું માળખું ઊભું કર્યું. તેમની સંપતિની વાત કરીએ તો 648 કરોડથી વધુ છે. તેમના સોગંદનામામાં તેમણે આ વિગત આપી છે. પહેલા 332 કરોડ સામે ચંદ્રાબાબુને સૌથી ધનિક મુખ્યમંત્રી ગણવામાં આવતા હતાં. અત્યાર સુધી તમિલનાડુનું રાજકારણ ડીએમકે અને એઆઇએડીએમકે વચ્ચે જ સમાપ્ત થઇ જતું હતું પરંતુ વિજયે જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કાલે સવારે શું થવાનું? તે ભજનને સાચું કરી બતાવ્યું છે. તમિલનાડુના બદલાયેલા રાજકીય સમીકરણોને સમજીએ તો જણાશે કે ચૂંટણી પરિણામોમાં દાયકાઓ સુધી સત્તાના કેન્દ્ર સ્થાને રહેલા એઆઇએડીએમકે અને  ડીએમકેને લોકોએ જાકારો આપ્યો છે. તેમજ એક સર્વે મુજબ 37 ટકા લોકો થલાપતિ વિજયને સીએમ તરીકે જોવા ઈચ્છતા હતા. જ્યારે માત્ર 35 ટકા લોકો સ્ટાલિનને સીએમ તરીકે જોવા માંગતા હતા. તેમજ રાજ્યમાં યુવા મતદારોનો મૂડ આ વખતે મહત્વનો રહ્યો હતો. જે મોટાભાગે થલાપતિ વિજય તરફ હતો. થલાપતિ વિજયે વર્ષ 2024 માં ટીવીકેના લોન્ચ સાથે ઔપચારિક રીતે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. વિજયે  પરંપરાગત રાજકીય નિવેદનોના બદલે  સ્પષ્ટ સંદેશ આપવા અને સીધા જાહેર સંપર્કમાં જોડાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ફિલ્મ ઉદ્યોગથી પોતાને દૂર રાખવાના તેમના નિર્ણયથી તેમના રાજકીય ઉદ્દેશ્યની ગંભીરતા પર ભાર મૂકવામાં આવ્યો. તેમણે ભ્રષ્ટાચાર, શિક્ષણ અને રોજગાર જેવા મુખ્ય મુદ્દાઓ પર પોતાનો ચૂંટણી પ્રચાર કેન્દ્રિત કર્યો. તેમજ  પોતાને હાલની વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે સક્ષમ નેતા તરીકે સ્થાપિત કર્યા છે. તેમજ ટીવીકેની સફળતાનું કારણ વ્યૂહરચના અને ટાઇમ મેનેજમેન્ટ છે. વિજયે યુવાનો અને પહેલી વાર મત આપનારા મતદારોની આકાંક્ષાઓ સાથે સફળતાપૂર્વક કનેક્ટ થયા હતા.આ પ્રક્રિયામાં સોશિયલ મીડિયાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.સોશિયલ મીડિયાએ તેમનો સંદેશને  પરંપરાગત રાજકીય રેલીઓ કરતાં વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરી હતી.તેમના મજબૂત ગ્રાસરુટ નેટવર્કે પણ પ્રચારને વાસ્તવિક બનાવ્યો હતો.

Most Popular

To Top