અમદાવાદ,
અમદાવાદની સ્પેશિયલ કોર્ટે ડ્રગ્સની દાણચોરીના એક ગંભીર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા ફિલિપાઈન્સની એક મહિલાને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા હાથ ધરવામાં આવેલી સચોટ તપાસ અને મજબૂત પ્રોસિક્યુશનના પરિણામે આ મહત્વપૂર્ણ સફળતા મળી છે.
આ કેસની વિગત મુજબ, એનસીબી મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા એક ફિલિપાઈન્સ નાગરિક વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યો હતો. આ LOCના આધારે, ૧૧ જૂન ૨૦૨૪ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગના સહયોગથી ૪૧ વર્ષીય મહિલા જીનાલીન પેડિવાન લિમોન (Ginalean Padiwan Limon)ની અટકાયત કરવામાં આવી હતી. એનસીબીની ટીમે તેની ચકાસણી કરતાં તેની પાસેથી ૨.૧૨૧ કિલોગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આ મહિલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ માટે ડ્રગ કરિયર તરીકે કામ કરતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
તપાસમાં થયેલા મોટા ખુલાસા
- વારંવાર મુલાકાત: તપાસમાં બહાર આવ્યું હતું કે આ મહિલાની ભારતની આ ત્રીજી મુલાકાત હતી, જે દર્શાવે છે કે તે વ્યવસ્થિત રીતે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હતી.
- સ્વૈચ્છિક નિવેદન: NDPS એક્ટની કલમ ૬૭ હેઠળ આરોપીએ ડ્રગ્સની દાણચોરીમાં પોતાની સંડોવણી હોવાનું કબૂલ્યું હતું. તપાસ પૂર્ણ થયા બાદ ૦૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અમદાવાદની સ્પે. કોર્ટ (ભદ્ર) ખાતે ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ, કોર્ટે આજે ૧૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ પોતાનો ચુકાદો સ્પે. જ્જે આખરી આદેશમાં આરોપી મહિલાને ૨૦ વર્ષની સખત કેદ અને રૂા. ૨,૦૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે.