Editorial

સીસીટીવી વડે ભારતીય સેના પર જાસૂસી: એક ભયાનક ષડયંત્ર

હાલમાં પાકિસ્તાન સાથે સીધો સંબંધ ધરાવતા એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ નેટવર્ક દ્વારા સરહદ પાર બેઠેલા હેન્ડલર્સ ઉત્તર ભારતના  વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સ્થળો પર લગાવવામાં આવેલા સોલર-સંચાલિત CCTV કેમેરાના છૂપા ગ્રીડ દ્વારા ભારતીય સેનાના જવાનોની  હિલચાલ પર રિયલ-ટાઇમ દેખરેખ રાખતા હતા, એટલે કે જે સમયે લશ્કરી ટુકડીઓ વગેરેની જે ગતિવિધિ ચાલતી હોય બરાબર તે જ સમયે તે હિલચાલ પર પાકિસ્તાનમાંથી નજર રાખવામાં આવતી હતી. આ સીસીટીવીને કારણે શક્ય બન્યું છે. સીસીટીવી ટેકનોલોજીના અનેક લાભો છે પરંતુ તેના કેટલાક ભયસ્થાનો પણ છે જે આપણે અગાઉ અહીં જોઇ ગયા છીએ. આ સીસીટીવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાકિસ્તાને દેશના કેટલાક ગદ્દાર યુવાનોને હાથ પર લઇને ભારતીય સેના પર જાસૂસી કરવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું જે હાલ તો પકડાઇ ગયું છે.

આ મોનિટરિંગ  નેટવર્ક પંજાબના કપૂરથલા, જલંધર, પઠાણકોટ, પટિયાલા અને મોગા; હરિયાણાના અંબાલા; જમ્મુ-કાશ્મીરના કઠુઆ; અને  રાજસ્થાનના બીકાનેર અને અલવર જેવા લશ્કરી દષ્ટિએ મહત્વના શહેરોમાં ફેલાયેલું હતું. આ તમામ સ્થળો આર્મી કેન્ટોનમેન્ટની હાજરી, આંતરરાષ્ટ્રીય સરહદની  નિકટતા અને સૈન્ય હિલચાલ તથા લોજિસ્ટિક્સ કોરિડોર તરીકેની તેમની ભૂમિકાને કારણે અત્યંત મહત્વના છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ  કેમેરા જાણી જોઈને સૈન્ય સંસ્થાઓ, સૈનિકોની અવરજવર માટે વપરાતા હાઈવે અને સરહદ સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રવૃત્તિઓ ઝડપવા  માટે ગોઠવવામાં આવ્યા હતા.

આ ઓપરેશનની સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ઉપકરણો સીધું જીવંત પ્રસારણ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સને  મોકલી રહ્યા હતા, જે તેમને સરહદ પાર બેસીને ભારતીય સેનાની હિલચાલને રિયલ-ટાઇમમાં જોવાની સુવિધા આપતા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા એક ઓપરેશનમાં આ મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં જાસૂસી, શસ્ત્રોની દાણચોરી  અને રેકી  પ્રવૃત્તિઓમાં સામેલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ પંજાબના તરનતારનના રહેવાસી મનપ્રીત  સિંહ; ફિરોઝપુરના અનમોલ અને સાહિલ; દિલ્હીના અતુલ રાઠી, રોહિત અને અજય; કપૂરથલાના ગુરજીત; ફાઝિલ્કાના રિમ્પલદીપ; સલવિંદર ઉર્ફે  કાલુ અને બુટા સિંહ; અને મોગાના હરપ્રીત તરીકે થઈ છે.

જાણવા મળે છે કે આ નેટવર્ક પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાની સૂચના  હેઠળ કાર્યરત હતું, જેમાં ગ્રાઉન્ડ પરના ઓપરેટિવ્સને સર્વેલન્સ સાધનો સ્થાપિત કરવા અને લશ્કરી ગતિવિધિની સંવેદનશીલ માહિતી  પહોંચાડવાનું કામ સોંપવામાં  આવ્યું હતું. સોલર-સંચાલિત CCTV કેમેરાના ઉપયોગથી અંતરિયાળ અથવા ઓછા પ્રવેશ ધરાવતા વિસ્તારોમાં પણ અવિરત દેખરેખ સુનિશ્ચિત થઈ હતી,  જેનાથી તેમની ભાળ મેળવવી મુશ્કેલ બની હતી અને નેટવર્ક પરંપરાગત પાવર સ્ત્રોતો પર નિર્ભર રહ્યા વગર સતત કાર્ય કરી શકતું હતું.

 એમ જાણવા મળે છે કે કેમેરામાં નકલી ઓળખનો ઉપયોગ કરીને મેળવેલા સિમ કાર્ડ  ફીટ કરવામાં આવ્યા હતા અને તેને મોબાઈલ એપ્લિકેશન સાથે લિંક કરવામાં આવ્યા હતા, જેનાથી સરહદ પાર ફૂટેજનું સીમલેસ રિયલ-ટાઇમ  ટ્રાન્સમિશન શક્ય બન્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ઉપકરણો લગાવતા પહેલા વિગતવાર રેકી કરી હતી, જેમાં આર્મી કેન્ટોનમેન્ટ, સરહદી રસ્તાઓ અને સુરક્ષા  દળોના અવરજવરના માર્ગો સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવા પોઈન્ટ્સની કાળજીપૂર્વક પસંદગી કરી હતી.

ત્યારબાદ આ ફૂટેજનું પાકિસ્તાનમાં હેન્ડલર્સ  દ્વારા વિશ્લેષણ કરવામાં આવતું હતું જેથી પેટર્ન નક્કી કરી શકાય, નબળાઈઓનું મૂલ્યાંકન કરી શકાય અને સંભવિત ભાવિ પ્રવૃત્તિઓનું આયોજન  કરી શકાય. અહીં એ પણ પ્રશ્ન થાય છે કે લશ્કરની અવરજવરવાળા વિસ્તારોમાં આ યુવાનો પોતાના ખાનગી સીસીટીવી કેમેરા ગોઠવવામાં સફળ રહ્યા કઇ રીતે? તેમને કોઇએ આ ઇન્સ્ટોલેશન કરતા જોયા જ નહીં? કોઇને તેમની હિલચાલ પર શંકા ગઇ જ નહીં? મ્યુનિસિપલ કે પોલીસ તંત્રનું ધ્યાન નવા ગોઠવાયેલા સીસીટીવી કેમેરાઓ તરફ ગયું જ નહીં?

એક અધિકારીએ જણાવ્યું  કે હેતુ માત્ર  દેખરેખનો નહોતો પરંતુ સમય જતાં સંરક્ષણની હિલચાલની પેટર્નનું વ્યૂહાત્મક મોનિટરિંગ કરવાનો  હતો. તેમણે ઉમેર્યું હતું કે આવા ઇનપુટ્સનો ઉપયોગ આતંકવાદી હુમલાઓનું આયોજન કરવા અથવા સરહદ પારના ઓપરેશન્સની સુવિધા માટે  થઈ શક્યો હોત. પંજાબનો મુખ્ય આરોપી મનપ્રીત સિંહ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હોવાનું જણાયું હતું અને તેણે સંવાદ સંકલન કરવામાં અને  ગેરકાયદેસર શસ્ત્રોની હિલચાલમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.

અન્ય આરોપીઓ, જેમાં ફિલ્ડ ઓપરેટિવ્સનો સમાવેશ થાય છે, તેઓ ભૌતિક રીતે  કેમેરા સ્થાપિત કરવા અને ગ્રાઉન્ડ પર નેટવર્ક જાળવવા માટે જવાબદાર હતા તેમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ ધરપકડથી સંભવિત મોટો સુરક્ષા ખતરો ટળ્યો છે, કારણ કે ઇનપુટ્સ સૂચવે છે કે આ મોડ્યુલ વિસ્ફોટકો અને અન્ય  માધ્યમોનો ઉપયોગ કરીને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવવાની યોજનાઓ પણ શોધી રહ્યું હતું. જાસૂસી સાથે શસ્ત્રોની હેરાફેરી અને આતંકવાદી  આયોજનનું જોડાણ બહારના તત્વો દ્વારા સમર્થિત મોટા અને સુવ્યવસ્થિત કાવતરા તરફ નિર્દેશ કરે છે.

સુરક્ષા એજન્સીઓ હવે વધુ લિંક્સ, હેન્ડલર્સ અને સ્લીપર સેલ્સ ઓળખવા માટે મોબાઈલ ફોન અને CCTV સિસ્ટમમાંથી મેળવેલા ડેટા સહિતના  ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ કરી રહી છે. તપાસ ચાલુ છે, અને અધિકારીઓએ આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા નકારી નથી. હાલ તો આ જાસૂસી નેટવર્ક પકડાઇ ગયું છે અને દેશના કેટલાક ટેકનોલોજીમાં માહેર પરંતુ ગદ્દાર યુવાનો પકડાઇ ગયા છે પરંતુ તે સાથે જ દેશના તંત્રોની નિષ્ક્રિયતા અને બેદરકારી પણ છતી થઇ ગઇ છે. શત્રુના કાવતરાઓ નિષ્ફળ બનાવવા પળેપળની સાવધાની જરૂરી છે.

Most Popular

To Top