Columns

આપ બડે અચ્છે હો

પ્રિયંકા અને રોહને પ્રેમ લગ્ન કર્યા, પ્રિયંકા મારવાડી અને રોહન ગુજરાતી કોલેજમાં મળ્યા અને પ્રેમ થયો. રોહને ઘરે વાત કરી અને ગુજરાતીઓ તો મોર્ડન તરત તેમના પ્રેમને મંજૂરી આપી દીધી અને વાળી રોહનના મમ્મી અને પપ્પાએ પ્રિયંકાના ઘરે જઈને તેના પપ્પા અને મોટા કાકાને પણ મનાવી લીધા અને બાળકો ભણી લે પછી લગ્ન કરશું તેમ નક્કી થઈ ગયું. પ્રિયંકા થોડું થોડું ગુજરાતી બોલતા શીખવા લાગી અને રોહનના મમ્મીએ કહ્યું, ‘ચિંતા નહીં કરતી હું તને બધું શીખવાડી દઈશ.’

પ્રિયંકાએ કહ્યું, ‘મમ્મી આપ બડે અચ્છે હો!’ કોલેજ પૂરી થઈ બંને એમબીએ થઈ ગયા અને સારી પ્લેસમેન્ટ મેળવવા ઈન્ટરવ્યુ શરુ થયા મારવાડી પિતાએ કહ્યું, ‘તારા સાસુ સસરા હા પાડે તો જ નોકરી કરજે અને ઈન્ટરવ્યુ આપવા જજે.’ રોહનના પપ્પા તરત બોલ્યા, ‘કેમ રોહનને એમબીએની ડીગ્રી પછી સારી પ્લેસમેન્ટ મળવી જોઈએ તો પ્રિયંકાને કેમ નહીં તે પણ એટલું જ ભણી છે.’ પ્રિયંકા ખુશ થઈ અને કહ્યું, ‘પપ્પાજી આપ બડે અચ્છે હો!’ બંનેની સારી પ્લેસમેન્ટ મળી ગઈ, છ મહિના બાદ લગ્ન થઈ ગયા.સાસરે પ્રિયંકા આવી હવે તેના મનમાં ટેન્શન હતું કે સસરાની વહુ તરીકેની જવાબદારી અને જોબ બંને કઈ રીતે સંભાળશે. પણ જેઠાણીએ કહ્યું, ‘તું કોઈ ટેન્શન નહીં કરતી મહારાજ અને નોકર તો છે જ અને બાકી બધું હું સંભાળી લઈશ.

તને કઈ જોઈતું હોય તો કહેજે.’ પ્રિયંકા બોલી, ‘થેન્કયુ ભાભી આપ બડે અચ્છે હો!’ સવારે મહારાજે બધાની ચા અને પ્રિયંકાનું દૂધ તૈયાર કરી કહ્યું, ‘નાની ભાભી મને ખબર છે તમે ચા-કોફી નહીં પણ દૂધ લો છો આ લો તમારૂ દૂધ રેડી છે.’ પ્રિયંકા બોલી, ‘થેન્કયુ આપ બડે અચ્છે હો!’ નોકરે તેનું પર્સ અને ટીફીન કારમાં મૂકી દીધું પ્રિયંકાએ તેને પણ કહ્યું ‘થેન્કયુ આપ બડે અચ્છે હો!’ પ્રિયંકા થોડા દિવસમાં જ સાસરામાં બધાની પ્રિય થઈ ગઈ.તે બધા સાથે પ્રેમથી વાત કરતી, આવડે તેવું ગુજરાતી બોલતી, સાસુ પાસેથી ગુજરાતી વાનગીઓ શીખતી, જેઠાણીને ઓફિસેથી આવી મદદ કરતી…જે પણ સગાસબંધીઓ આવે બધાના માન જાળવતી અને દરેકની નાની નાની વાતને વખાણતા જરૂર કહેતી ‘આપ બડે અચ્છે હો!’

આ એક નાનકડું વાક્ય બધાને સાંભળવું ગમતું, આ વાક્યમાં અજબ તાકાત હતી કોઈકની ખૂબીના વખાણ કરવા,આભાર માનવો, સાચી પ્રસંશા કરવી સાથે સાથે આ વાક્ય દર્શાવે છે જે હું જ સૌથી સારી છું તેવી દરેકની માન્યતા હોય છે તેને છોડીને સામેવાળું વ્યક્તિ આપણાથી વધુ સારું અને ચઢિયાતું છે તેનો નમ્ર સ્વીકાર કરવો. બધાને પોતાનાથી વધારે સારા અને ચઢીયાતા કહેવાની પ્રિયંકાની ખાસિયત દરેકને ગમતી બધા તેના વખાણ કરતા. હંમેશા જે કઈ સારું જુઓ અને મેળવો તો તે આપનારને ચોક્કસ કહેજો ‘થેન્કયુ આપ બડે અચ્છે હો!’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top