Comments

નારીશક્તિ-વંદન અધિનિયમ: રાજકીય સંકલ્પ કે ચૂંટણી વ્યૂહરચના?

મહિલા આરક્ષણના નામે ૧૬ મી એપ્રિલથી સંસદની વિશેષ બેઠક બોલાવાઈ છે, જેની ચર્ચા થવાની છે તે ત્રણ મહત્ત્વપૂર્ણ ખરડાના  ડ્રાફ્ટ ૧૪મી એપ્રિલના રોજ સંસદસભ્યોને મોકલાયા. યોગાનુયોગ આ દિવસ આંબેડકર જયંતી પણ હતી. ભારતના બંધારણના મુખ્ય શિલ્પી તરીકે, આંબેડકર માટે રાજકીય સમાનતા માત્ર મતાધિકાર પૂરતી સીમિત નહોતી. તેઓ માનતા હતા કે ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં વિવિધ સામાજિક અને પ્રાદેશિક જૂથોનું યોગ્ય પ્રતિનિધિત્વ થવું જોઈએ, જે માત્ર એમના સંખ્યાબળથી નક્કી થઇ ના શકે.  આંબેડકર ન્યાયસંગત પરામર્શને પણ એક અગત્યની પ્રક્રિયા માનતા હતા, જે માટે સંસદીય ચર્ચા અને નાગરિક સમાજની ભાગીદારી આવશ્યક છે. પણ, નારીશક્તિ-વંદનામાં સુધારા માટે અત્યંત ટૂંકી નોટિસમાં બોલાવાયેલી બેઠક, 48 કલાકથી પણ ઓછા સમય પહેલાં થયેલી ખરડાના ડ્રાફ્ટની વહેંચણી અને મહત્ત્વનાં રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીની વચ્ચે ઊભો કરાયેલો અવસર એની બંધારણીય નૈતિકતા સામે પ્રશ્નો ઊભા કરે છે.

આ કાયદા પાછળનો ઈતિહાસ ત્રણ વર્ષનો નહિ પણ ત્રણ દાયકા જેટલો લાંબો છે. ૧૯૯૦ના દાયકાથી આ મુદ્દે ચર્ચા ચાલે છે. ગામ અને તાલુકા સ્તરે પંચાયતમાં મહિલાઓને અનામત મળ્યા પછી, ઘણી મહિલાઓ નેતૃત્વમાં આવી. એ જોઈને દેશભરમાં માંગ ઊઠી કે સંસદ અને વિધાનસભામાં પણ મહિલાઓને સમાન તક મળવી જોઈએ. વર્તમાન લોકસભામાં પણ મહિલા પ્રતિનિધિનું પ્રમાણ માત્ર ૧૩.૭ ટકા જ છે. મહિલાઓને રાજકારણમાં આગળ આવવામાં સામાજિક માન્યતાઓ, પૈસાની તંગી અને પક્ષોમાં ટિકિટ મેળવવાની મુશ્કેલી – જેવી ઘણી અડચણોનો સામનો કરવો પડે છે, જેનો ઉપાય અનામતની વ્યવસ્થામાં મેળવી શકાય એવી વ્યાપક સમજ ઊભી થઇ. પરંતુ રાજકીય મતભેદોને કારણે આ બિલ વર્ષો સુધી અટકતું રહ્યું. ઘણી અડચણો અને વિલંબ પછી ૨૦૨૩માં કાયદો બન્યો. એનો અમલ ૨૦૨૯થી, નવી વસતીગણતરી આધારે ક્વોટા નક્કી થાય એ પ્રમાણે કરવાનું નક્કી થયું.

લૈંગિક સમાનતાની પ્રક્રિયામાં છ વર્ષ જેટલો લાંબો વિલંબ શા માટે એ ચર્ચા તો ત્યારે પણ હતી. તત્કાલીન સંસદની રચના પ્રમાણે ૩૩ ટકા આરક્ષણ આપવાનું સૂચન પણ થયું હતું. પણ, બહુમતી સરકારે એ ચર્ચા લાંબી ના ચલાવી અને વાત ત્યાં જ સર્વસ્વીકૃતિએ સ્થિર થઇ. જોવાનું એ છે કે મહિલા અધિકારોની વાતો કરતાં એક પણ રાજકીય પક્ષે, ૨૦૨૩ પછી થયેલી કોઈ પણ ચૂંટણીમાં ૩૩ ટકા તો શું, એનાથી અડધી  ટિકિટ પણ મહિલા ઉમેદવારને નથી આપી –૨૦૨૪ની સંસદીય ચૂંટણીમાં ભાજપે ૧૫ ટકા ને કોન્ગ્રેસે ૧૩.૭ ટકા મહિલા ઉમેદવારને ટિકિટ આપી. જો મહિલા સશક્તિકરણ પ્રત્યે સાચી પ્રતિબદ્ધતા હોત તો સ્વૈચ્છિક રીતે મહિલાઓને વધુ ટિકિટ અપાઈ હોત.

જો, મહિલા હિતની જ ચિંતા હોત તો એ તો સંસદના વર્તમાન ઢાંચામાં પણ ૩૩ ટકા આરક્ષણ લાગુ કરી શકાય – જે દલીલ  ૨૦૨૩માં થઇ  જ હતી. એ માટે મતદાન વિસ્તારનું નવેસરથી સીમાંકન કરવાના  પ્રસ્તાવની કયાં જરૂર છે? એ માટે સંસદનું ખાસ સેશન તાત્કાલિક ધોરણે બોલાવવાનું  શું કારણ? આ સવાલ ઊઠવો વાજબી છે કારણ કે, પ્રસ્તાવિત બદલાવનાં વ્યાપક પરિણામો થઈ શકે છે. સીમાંકનની પ્રસ્તાવિત પ્રક્રિયામાં 2011ની વસતીગણતરીને આધાર બનાવાયો છે અને રાજ્યોની વસતી આધારિત જ પ્રતિનિધિત્વ નક્કી થશે.

પરિણામે જેમણે વસતી નિયંત્રણમાં વધુ સફળતા મેળવી છે તેવાં દક્ષિણનાં રાજ્યોને પ્રમાણમાં ઓછું પ્રતિનિધિત્વ મળી શકે છે. એટલે કે પરિવારનિયોજન જેવા રાષ્ટ્રીય અભિયાનમાં જે રાજ્યોએ સારી કામગીરી કરી તેઓ જ પરોક્ષ રીતે દંડિત થશે! મહિલાઓના મતદાનમાં પણ ઘણો સુધારો થયો છે. એટલે એ જોવા જેવું છે કે મહિલા સશક્તિકરણના નામે તાજેતરમાં કેન્દ્ર કે રાજ્ય સ્તરે જે કાયદાકીય ફેરફાર આવ્યા છે એમાં મહિલાઓના અધિકાર પ્રત્યેની નિસબત કરતાં રાજકીય લાભ ખાટવાની વૃત્તિ વધારે દેખાય છે.

દા.ત. તાજેતરમાં ગુજરાતમાં આવેલા સમાન નાગરિક ધારાની મોટા ભાગની જોગવાઈઓનો ઉદ્દેશ મુસ્લિમ કાનૂનમાં બદલાવ લાવવા જેવો જ દેખાય છે કારણ કે,   સંપત્તિમાં સમાન અધિકાર કે છૂટાછેડા પછી ભરણપોષણની જોગવાઈ જેવા સુધારા હિંદુ કોડ બિલ થકી હિંદુ કાયદામાં આવી ચૂક્યા છે. અડચણ એના અસરકારક અમલમાં આવે છે એ માટે શું? આવા સવાલ અનુત્તર જ રહે છે. એટલે એ સવાલ તો રહે કે શું આવા કાયદા સાચા અર્થમાં મહિલાઓને મદદ કરશે? એના અમલકર્તામાં મહિલાઓના હક માટેની પ્રતિબધ્ધતા હશે? મહિલા અધિકારના નામે રજૂ થતાં સુધારામાં મહિલાઓના ગૌણ હોવાના અહેસાસથી સુધારાનો ઉત્સાહ મોળો પડી જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top