Gujarat

પીએમ મોદી જે કહે છે તે કરે છે, એટલે જ જનતાનો વિશ્વાસ અકબંધ છે’ – ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર,તા.16
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધિત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છમાં આવેલા પરિવર્તન અને પ્રવાસન ક્ષેત્રે થયેલી પ્રગતિ પર વિશેષ ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ ૨૦૦૧ના વિનાશક ભૂકંપને યાદ કરતા જણાવ્યું હતું કે, “એક સમયે જે કચ્છને ફરી બેઠું કરવું અઘરું જણાતું હતું, તે આજે વડાપ્રધાનના વિઝન અને કચ્છી માડુઓના પરિશ્રમથી ધમધમી રહ્યું છે.” તેમણે કહયું હતું કે પીએમ નરેન્દ્ર મોદી જે કહે છે તે કરીને બતાવે છે, જેને કારણે જનતાનો વિશ્વાસ અડગ રહ્યો છે. કચ્છના ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચાડવા એ વડાપ્રધાનના દૃઢ સંકલ્પનું જ પરિણામ છે.

કચ્છના પ્રવાસન અંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની દૂરંદેશીને કારણે આજે કચ્છનું સફેદ રણ અને ધોરોડો ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમકી રહ્યું છે. જી-૨૦ જેવી ભવ્ય ઇવેન્ટનું આ ભૂમિ પર આયોજન થવું એ દરેક કચ્છી માટે ગૌરવની વાત છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની વિગતો આપતા પટેલે જણાવ્યું હતું કે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા સરકાર કટિબદ્ધ છે, જ્યારે આયુષ્માન કાર્ડ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને વિશ્વસ્તરીય મફત સારવાર મળી રહી છે.

વિપક્ષો પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માત્ર બૂમો પાડવાથી વિકાસ નથી થતો, તે માટે આયોજનબદ્ધ કાર્ય કરવું પડે છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે રાજ્યમાં MSME ની સંખ્યા ૨૦૦૧માં ૧.૮૩ લાખ હતી જે આજે વધીને ૨૭ લાખને પાર થઈ ગઈ છે. અંતમાં, મુખ્યમંત્રીએ ૨૬ એપ્રિલે ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપને મળેલો દરેક વોટ ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.

Most Popular

To Top