મનપાની તમામ ભરતીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ , સ્લમ મુક્ત અમદાવાદ, પિંક બસ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ પર ભાર મૂકાયો
અમદાવાદ,તા.16
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની આવનારી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સંકલ્પ પત્ર–૨૦૨૬ જાહેરાત કરાઈ હતી. કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહયું હતું કે ભાજપે અગાઉના સંકલ્પ પત્રમાં દર્શાવેલા લગભગ 96 ટકા વચનો પૂર્ણ કર્યા છે અને હવે નવા વિકાસ વિઝન સાથે પાર્ટી પ્રજાજનો સમક્ષ જઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદના ભૂતકાળથી લઈ વર્તમાન અને ભવિષ્યના વિકાસનો રોડમેપ આ સંકલ્પ પત્રમાં રજૂ કરવામાં આવ્યો છે.આ સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા મનપાની તમામ ભરતીમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈની જાહેરાત કરાઈ છે.
સંકલ્પ પત્રમાં અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર વિશેષ ભાર મુકાયો છે. રિવરફ્રન્ટના વિસ્તરણ, પાણી પુરવઠા સુધારણા, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્કના રિહેબિલિટેશન સહિતના પ્રોજેક્ટ હાથ ધરાશે. સાથે જ ફાયર સેફ્ટી પ્લાન દ્વારા શહેરને વધુ સુરક્ષિત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આરોગ્ય ક્ષેત્રે સિનિયર સિટિઝન માટે ખાસ સેવાઓ, હોસ્પિટલોના અપગ્રેડેશન અને કેન્સર માટે અદ્યતન સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે.
ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે AI આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિકસાવવામાં આવશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત બનાવાશે. શહેરને સંપૂર્ણ સ્લમમુક્ત બનાવવા માટે 50 હજાર મકાનોના નિર્માણનો સંકલ્પ છે. સાથે જ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ 100 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટ્રાફિક સુધારવા માટે 17 ઓવરબ્રિજ અને 3 અંડરપાસ બનાવાશે.
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ–2030 માટે તૈયાર કરવા દરેક ઝોનમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવાશે. ગ્રીન કવર 12.5 ટકાથી વધારી 18 ટકા કરવા અને રેલવે લાઇનની બાજુઓમાં અર્બન પ્લાન્ટેશન કરવાનો પણ સમાવેશ છે. પૂર્વ વિસ્તારમાં હેન્ડિક્રાફ્ટ ઉત્પાદકો માટે “અમદાવાદ હાટ” બનાવાશે તેમજ સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાશે.
સ્વચ્છતા ક્ષેત્રે પિરાણા ડમ્પ સાઇટને દૂર કરી ત્યાં ગાર્ડન વિકસાવાશે. સાથે જ નવા RTS પ્રોજેક્ટ, કચરાના આધુનિક નિકાલ અને કિચન વેસ્ટથી CNG ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે. તળાવોના શુદ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર અને ફાઉન્ટેન પણ વિકસાવાશે. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે અમદાવાદની ઓળખ જાળવવા જગન્નાથ મંદિરની રથયાત્રા રૂટને હેરિટેજ વોક તરીકે વિકસાવવામાં આવશે. શહેરની તમામ શાળાઓને સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવાની સાથે અંગ્રેજી માધ્યમની નવી શાળાઓ શરૂ થશે. ગરીબ અને મધ્યમવર્ગ માટે સસ્તા પાર્ટી પ્લોટ બનાવાશે. મહિલા સશક્તિકરણ માટે ખાસ યોજનાઓ પણ જાહેર થઈ છે. સર્વાઇકલ અને ઓરલ કેન્સર સ્ક્રિનિંગ, BRTSમાં પિંક બસ, દરેક વોર્ડમાં પિંક ટોઇલેટ અને મહિલા જીમની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ ભરતીમાં 33 ટકા મહિલા અનામત આપવામાં આવશે.વૃદ્ધ નાગરિકો માટે મફત “અમદાવાદ દર્શન” યોજના પણ અમલમાં મૂકવામાં આવશે, જેથી 65 વર્ષથી વધુ વયના નાગરિકોને શહેરના પ્રવાસનો લાભ મળી શકે.આ રીતે સંકલ્પ પત્ર–2026માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને અમદાવાદના સર્વાંગી વિકાસનો દિશાસૂચક નકશો રજૂ કરવામાં આવ્યો છે.