વડોદરા ભાજપમાં ‘મેન્ડેટ ડ્રામા’: ઇન્દુબેનનું પત્તું કપાયું, ધારાસભ્યના ‘ખાસ’ કોકિલાબેનની એન્ટ્રી!
પ્રચાર શરૂ કરી દીધા બાદ ઇન્દુબેન યાદવનું મેન્ડેટ રદ થતા ગ્રામ્ય રાજકારણમાં ભારે ગણગણાટ
વડોદરા: જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે વડોદરાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ખાસ કરીને દશરથ-1 તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ મોટો નિર્ણય લઈને પૂર્વ જાહેર કરેલા ઉમેદવારનું પત્તું કાપી નવા ચહેરાને મેન્ડેટ આપતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપ દ્વારા અગાઉ દશરથ-1 બેઠક માટે ઇન્દુબેન યાદવના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીના આદેશ બાદ ઇન્દુબેને પ્રચાર પણ શરૂ કરી દીધો હતો અને ડોર-ટુ-ડોર જઈને મતદારોનો સંપર્ક પણ સાધ્યો હતો. જોકે, ફોર્મ ભરવાના અંતિમ દિવસે આશ્ચર્યજનક રીતે ઇન્દુબેન યાદવનું નામ હટાવીને કોકિલાબેન સોલંકીને મેન્ડેટ આપવામાં આવ્યું છે.
રાજકીય ગલિયારાઓમાં ચાલતી ચર્ચા મુજબ, કોકિલાબેન સોલંકી જિલ્લાના એક પ્રભાવશાળી ધારાસભ્યના અત્યંત નજીકના હોવાથી તેમને આ ટિકિટ મળી છે. ફોર્મ ચકાસણી દરમિયાન આ મામલો સામે આવતા પાયાના કાર્યકરોમાં ભારે આશ્ચર્ય અને ક્યાંક રોષની લાગણી પણ જોવા મળી રહી છે. ધારાસભ્યએ પોતાની વગ વાપરીને છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાવીને કોકિલાબેનને મેન્ડેટ અપાવ્યું હોવાનું જમીની સ્તરના કાર્યકરો માની રહ્યા છે.
માત્ર દશરથ જ નહીં, પરંતુ પોર બેઠક પર પણ ટિકિટ ફાળવણીને લઈને અસંતોષ જોવા મળ્યો છે. પોર બેઠક પર અંકિતા પરમારનું નામ જાહેર થતા, અપેક્ષિત ઉમેદવાર નયનાબેન પરમારે પાર્ટી સામે બળવો પોકારીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.