ગાંધીનગર,તા.13
ગુજરાતમાં યોગના પ્રચાર-પ્રસારને વધુ સુદ્રઢ બનાવવા અને ‘યોગમય ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને લકુલિશ યોગ યુનિવર્સિટી વચ્ચે આજે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી અને લકુલિશ યોગ યુનિવર્સિટીના પ્રમુખ મુકેશ શાહની વિશેષ ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થયા હતા. આ MoU અંતર્ગત બંને સંસ્થાઓ આગામી સમયમાં યોગના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ, ઉચ્ચ શિક્ષણ અને સંશોધનલક્ષી પ્રવૃત્તિઓ માટે સાથે મળીને કામ કરશે. આ ભાગીદારીથી રાજ્યના યુવાનોને ગુણવત્તાયુક્ત યોગ ટ્રેનિંગ અને રિસર્ચની નવી તકો પ્રાપ્ત થશે, જે યોગ શિક્ષણને એક નવી દિશા આપવા તરફનું મહત્વનું કદમ સાબિત થશે. આ પ્રસંગે લકુલિશ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ વિવેક મહેશ્વરી, યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી ડૉ. મૃણાલદેવી ગોહિલ અને સ્ટેટ કો-ઓર્ડીનેટર અનિલ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સંયુક્ત પ્રયાસથી રાજ્યમાં યોગના વ્યાપની સાથે યુવાનોના કૌશલ્ય વર્ધનમાં પણ મોટો વધારો થશે.
આ ભાગીદારી અંતર્ગત બંને સંસ્થાઓ આગામી સમયમાં યોગના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ સાધીને કામ કરશે. આ કરારથી થનારા મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે
- ઉચ્ચ શિક્ષણ અને તાલીમ: રાજ્યના યુવાનોને યોગના ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત ટ્રેનિંગ અને ઉચ્ચ શિક્ષણ માટે નવી તકો મળશે.
- રિસર્ચ અને ડેવલપમેન્ટ: યોગ વિજ્ઞાનમાં સંશોધન (Research) પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
- વ્યવસાયિક તકો: યોગ ટ્રેનિંગના માધ્યમથી યુવાનો માટે રોજગારીની નવી દિશાઓ ખુલશે.
- સંયુક્ત પ્રવૃત્તિઓ: બંને સંસ્થાઓ સાથે મળીને યોગના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો હાથ ધરશે.