વડોદરા : શહેરના સમા-સાવલી રોડ પર હાલમાં નવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેને પગલે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ખાસ કરીને દુમાડ ચોકડીથી વડોદરા તરફ આવતા ભારે વાહનો માટે પ્રવેશબંધી લાદવામાં આવી છે. આમ છતાં, રાત્રિના સમયે એસટી નિગમ (GSRTC) ની બસોના ચાલકો તમામ નિયમોને નેવે મૂકીને રોંગ સાઈડમાં પૂરઝડપે વાહનો હંકારી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
નિર્માણાધીન બ્રિજને કારણે રસ્તાઓ સાંકડા થયા છે અને વાહનચાલકોની સુરક્ષા માટે ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જોકે, જવાબદાર ગણાતી સરકારી બસો જ જ્યારે જોખમી રીતે રોંગ સાઈડમાં પ્રવેશ કરે ત્યારે અન્ય નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. તાજેતરમાં સામે આવેલા દ્રશ્યોમાં GSRTC ની બસો રાત્રિના અંધકારમાં સામેથી આવતા ટ્રાફિકની પરવા કર્યા વગર ફૂલ સ્પીડમાં પસાર થતી જોવા મળી છે.
જો સામાન્ય જનતા ભૂલથી પણ રોંગ સાઈડમાં જાય તો ટ્રાફિક પોલીસ તુરંત દંડ ફટકારે છે, તો શું સરકારી બસોના ચાલકો માટે નિયમો અલગ છે ?
જ્યારે શહેરના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા અને ટ્રાફિક પોલીસનું પેટ્રોલિંગ હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યારે આ રીતે જાહેરમાં નિયમોના ધજાગરા ઉડતા હોવા છતાં પોલીસ કેમ મૌન છે? શું ટ્રાફિક પોલીસ આ વીડિયોના આધારે એસટી નિગમના બેજવાબદાર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે કે પછી કોઈ ગંભીર અકસ્માતની રાહ જોવામાં આવશે ? તે હવે જોવાનું રહ્યું.