Gujarat

ગુજરાતમિત્રને મોકલાવેલા વિડીયોમાં ખેડૂતે કહ્યું, ‘અમને ગાંજો ઉગાડવાની મંજૂરી આપો’ કૃષિમંત્રી જીતુ વાઘાણી સમક્ષ આવી વિચિત્ર માગણી કેમ કરી?

ભૂતકાળમાં સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કહી ચૂકી છે. પરંતુ હજી સુધી એવા કોઈ અણસાર દેખાતા નથી. એ દરમિયાન જાફરાબાદના એક ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતો પત્ર રાજ્ય કૃષિમંત્રી જીતુ વાઘાણીને લખી મોકલ્યો છે. સાથે જ પોતાની વાત વિડીયો રેકોર્ડ કરીને ખાસ ગુજરાતમિત્ર સાથે શેર કરી છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ઘનશ્યામભાઈ ભાલાળા નામક ખેડૂત રાજય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને ગાંજો વાવવા માટે મંજૂરી માંગી હતી. ખેડૂતના કહેવા મુજબ ખાતર, ડીઝલ, મજૂરી વગેરેમાં મોંઘવારીનો માર સહન કરવો પડે છે. સામે પાકની રકમ ઓછી મળે છે. સરકારે ખેડૂતની આવક બમણી કરવાનું વચન આપેલું, પરંતુ એ થઇ શક્યું નથી. એટલે હવે  ગાંજો ઉગાડવાની મંજૂરી આપો તો જ ખેડૂત પોતાની જરૂરીયાત પૂરતું કમાઈ શકે એમ છે. જુઓ વિડીયો.

પોતાના પત્રમાં ખેડૂતે ખેતી માટે જરૂરી વિવિધ વસ્તુઓના વર્ષ 2012ના ભાવ અને હાલના વધેલા ભાવની સરખામણી આપી છે. સાથે જ ઘઉંના ભાવમાં કોઈ વધારો ન થયો હોવાનું કહ્યું હતું. વર્ષ 2012માં ડીઝલ 32 રૂપિયે, ખાતર 650 રૂપિયે અને મજૂરી 100 રૂપિયે મળતા. હાલમાં આ ભાવ વધીને અનુક્રમે 100 રૂપિયા, 1500 રૂપિયા અને 500 રૂપિયા થઇ ગયા છે. એની સામે ઘઉંનો ભાવ એ સમયે 500 રૂપિયા હતો, જે આજે ય એટલો જ છે. કપાસનો ભાવ તો ઉલટો પહેલા કરતા ય ઘટી ગયો! 2016-17માં કપાસનો ભાવ 2,000 રૂપિયા હતો, જે હાલ ઘટીને 1,400 રૂપિયા થઇ ગયો છે! આ સાથે જ બિયારણ, જંતુનાશક દવાઓ, ખેતીના ઓજારો સહિતના ભાવમાં વીતેલા દસ-બાર વર્ષો દરમિયાન બેથી ત્રણ ગણો વધારો ઝીંકાયો, પણ એની સામે ખેડૂતોને ખેતપેદાશોના વધારે ભાવ નથી મળ્યા!

ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે જેમ ગુજરાત સરકાર દારુ વેચનારને પરમીટ આપે છે,. પૈસાદાર લોકોને રિવોલ્વર (હથિયાર)ની પરમીટ આપે છે, એમ ખેડૂતોને ગાંજો વાવવાની પરમીટ આપવી જોઈએ. સાથે જ તેઓએ પત્રમાં બાંહેધરી આપી છે કે જો સરકાર ગાંજાના વાવેતરની પરમીટ આપશે તો તેઓ આવતા ચોમાસે સરકારી ધારાધોરણ મુજબ પોતાની નવ-દસ વીંઘા જમીનમાં ગાંજાનું વાવેતર અને વેચાણ કરશે. જો સરકાર ખેડૂતોની સમસ્યા પર ધ્યાન નહિ આપે તો ટૂંકમાં સમયમાં પોતે અને બીજા અનેક ખેડૂતો તેમજ એમના વારસદારો કાયમ માટે ખેતીકામ છોડી દેશે, એવી નોંધ પણ પત્રને અંતે લખી છે.

ઘનશ્યામભાઈ ભાલાળાએ કૃષિમંત્રી સહિત મુખ્યમંત્રી, કલેકટર, ખેતીવાડી અધિકારી (અમરેલી) અને વિસ્તરણ અધિકારી (જાફરાબાદ)ને પણ પત્રની નકલ મોકલી છે.

Most Popular

To Top