સુરત નજીક રાજપીપળાથી સુરત જતી એસ.ટી. બસમાં કિન્નર દ્વારા હોબાળો મચાવવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના કિમ ચાર રસ્તા નજીક ત્યારે બની હતી જ્યારે બસ ત્યાં મુસાફરો ચઢાવવા માટે ઉભી રહી હતી. તે દરમિયાન કિન્નર બસમાં ચડી ગયા અને મુસાફરો પાસેથી પૈસા માંગવા લાગ્યા હતા. માહિતી મુજબ એક મુસાફરે પૈસા આપ્યા છતાં વધુ રકમની માંગણી કરવામાં આવી હતી. મુસાફરે વધુ પૈસા આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે ઝપાઝપી થઈ અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. અચાનક થયેલી આ ઘટનાથી બસમાં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પરિસ્થિતિ બગડતા બસના કંડક્ટર સાવીનભાઈ ડામોરે તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને બસ તેમજ મુસાફરોને કિમ પોલીસ મથકે લઈ જવાયા હતા. કહેવાય છે કે પોલીસ મથકે પણ કિન્નરે શાંતિ રાખવાને બદલે હોબાળો કર્યો હતો. કંડક્ટર સાવીન ડામોરે જણાવ્યું કે બસનો રૂટ રાજપીપળાથી સુરત થઈને ખંગેલા સુધીનો છે. કિમ ચોકડી પર મુસાફરો ચઢાવતી વખતે આ બનાવ બન્યો હતો. આ ઝઘડાને કારણે બસ લગભગ દોઢ કલાક મોડે પડી હતી, જ્યારે બસને રાત્રે 11 વાગ્યે સુરત પહોંચવાનું હતું. આ બનાવને કારણે મુસાફરોમાં ભય અને અસુવિધાનો માહોલ સર્જાયો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.