ગાંધીનગર: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે રાત્રિના સમયમાં પણ ગરમીનો અહેસાસ વધશે.
4 થી 7 માર્ચ દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવાની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભેજના કારણે ઉકળાટભર્યું વાતાવરણ સર્જાશે અને લોકોને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. તાપમાનમાં વધારો અને દરિયાકાંઠા વિસ્તારોમાં વધતી ભેજને કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા લોકો માટે સાવચેતી જરૂરી છે. દિવસ દરમિયાન સીધા તડકાથી બચવું, પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા તબીબી નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે.
આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતા રાજ્યમાં ઉનાળાની અસર વધુ સ્પષ્ટ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 30 ડિગ્રીથી ઉપર પહોંચ્યો છે. ભૂજમાં 34 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 31 ડિગ્રી, કંડલા પોર્ટ પર 31 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં 32 ડિગ્રી, પોરબંદરમાં 31 ડિગ્રી, રાજકોટમાં 34 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી તાપમાન રહ્યું હતું. મહુવામાં 31 ડિગ્રી, કેશોદમાં 32 ડિગ્રી, અમદાવાદમાં 33 ડિગ્રી અને ડીસામાં 34 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 33 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 31 ડિગ્રી, વડોદરામાં 32 ડિગ્રી, સુરતમાં 32 ડિગ્રી અને દમણમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી નોંધાયું હતું.