Vadodara

વડોદરા: માંજલપુરની અંબે સ્કૂલમાં પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીનીઓની તબિયત લથડી

એક વિદ્યાર્થીની બેભાન, બીજીને ખેંચ—108 દ્વારા તાત્કાલિક સારવાર

વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ ખાતે પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન બે વિદ્યાર્થીનીઓની અચાનક તબિયત લથડી હતી. પરીક્ષા દરમ્યાન એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી જ્યારે બીજી વિદ્યાર્થીનીને ખેંચ આવી હતી, જેના કારણે થોડા સમય માટે શાળા પરિસરમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ શાળા સ્ટાફ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ સ્કૂલ ખાતે પહોંચી હતી અને એટેન્ડન્ટ દ્વારા બંને વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેના પગલે તેઓ ફરી ભાનમાં આવ્યા હતા.

સારવાર બાદ બંને વિદ્યાર્થીનીઓની તબિયત સ્થિર થઈ હતી અને તેઓ ફરી પરીક્ષા આપવા સક્ષમ બન્યા હતા, જેને લઈને વાલીઓએ પણ રાહત અનુભવ્યો હતો. બન્ને વિદ્યાર્થીનીઓની તબિયત સુધરતા શાળાના પરીક્ષા કેન્દ્ર સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top