Gujarat

રાજ્યમાં ઘરમાં કે બહાર, ખાવાનું જ જોખમી, 444 સેમ્પલ ફેઈલ

અમદાવાદ: ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં વ્યાપક ભેળસેળને કારણે લાખો નાગરિકોની જીંદગી ગંભીર જોખમમાં મુકાઈ રહી છે અને લોકો વિવિધ ગંભીર બિમારીઓનો શિકાર બની રહ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગની અપૂરતી ચકાસણી, લાપરવાહી તથા હપ્તારાજ આ સ્થિતિ માટે સીધા જવાબદાર છે, તેવું પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીએ જણાવ્યું હતું.

દોશીએ વધુમાં કહ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં ખોરાકની સુરક્ષા અને નીચી ગુણવત્તાના (Sub-standard Quality) ખાદ્ય પદાર્થોની ફરિયાદોમાં ચિંતાજનક વધારો થયો છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૬ દરમિયાન દૂધમાં ભેળસેળ, મસાલાઓમાં પ્રદૂષણ અને અન્ય ખાદ્ય પદાર્થોમાં નીચી ગુણવત્તાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. FSSAIના રિપોર્ટ્સ, સંસદીય જવાબો અને ગુજરાત FDCAની કાર્યવાહીઓ પરથી મળેલા ડેટા મુજબ પ્રારંભિક વર્ષોમાં (૨૦૧૬–૨૦૧૮) વિગતવાર આંકડા મર્યાદિત છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તથા ગુજરાતમાં ભેળસેળનો પ્રવાહ સતત વધતો રહ્યો છે.

વર્ષ ૨૦૨૪–૨૫માં (નવેમ્બર સુધી) કુલ ૫,૩૭૧ નમૂનાઓમાંથી ૪૪૪ નમૂનાઓ નિષ્ફળ ઠર્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬માં (ચાલુ વર્ષ) ખાસ કરીને મસાલા મિશ્રણના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જો કે સંપૂર્ણ વર્ષનો ડેટા હજુ ઉપલબ્ધ નથી. વર્ષ ૨૦૨૨–૨૩માં નિષ્ફળ નમૂનાઓનું પ્રમાણ સૌથી વધુ હતું, ત્યારબાદ સંખ્યામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ વર્ષ ૨૦૨૪માં ટકાવારીની દ્રષ્ટિએ તીવ્ર વધારો નોંધાયો છે. દૂધ, પનીર, મસાલા અને તેલમાં સમસ્યા સતત યથાવત્ છે.

સેમ્પલ લેવા પ્રજાના 12.96 લાખ ખર્ચાયા, મોટાભાગના સેમ્પલો પાસ, અધિકારીઓની મિલીભગતના આક્ષેપ

ડૉ. મનિષ એમ. દોશીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે માત્ર ૧૫% જેટલા નિયમભંગ કરનારાઓ સામે જ અસરકારક કાર્યવાહી થાય છે. ૧-૧-૨૦૨૩થી ૩૧-૧૦-૨૦૨૪ દરમિયાન AMCના ફૂડ સેફ્ટી ઓફિસરોએ એન્ફોર્સમેન્ટ માટે ફૂડ સેમ્પલ લેવા પાછળ પ્રજાના કુલ રૂ. ૧૨,૯૬,૩૩૬/- જેટલા રૂપિયા ખર્ચ્યા છે. આટલો ખર્ચ થવા છતાં મોટાભાગના ફૂડ સેમ્પલો લેબોરેટરીમાં “પાસ” થવાના રિપોર્ટ આવે છે, જે દર્શાવે છે કે ફૂડ અધિકારીઓ જાણબૂઝીને એવા જ નમૂનાઓ લે છે જે લેબમાં પાસ થઈ જાય. આ સમગ્ર પ્રક્રિયામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો સંદેહ છે અને સામાન્ય નાગરિકોને શુદ્ધ ખોરાક ભાગ્યે જ મળતો હોય તેવી સ્થિતિ છે.

Most Popular

To Top