SURAT

કામરેજને સુરત મહાનગર પાલિકામાં સમાવી લેવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા

સુરતઃ સુરત શહેરની હદ પાસે આવેલા કામરેજને સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવી લેવા માટે માંગ ઉઠી છે. કામરેજના તાલુકા પંચાયતના વિપક્ષ દ્વારા આ મામલે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પંચાયતની હદમાં આવેલી સોસાયટીઓના પ્રમુખ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આજે તા. 22 ઓગસ્ટના રોજ આ મામલે અઠવાલાઈન્સ ખાતે આવેલી સુરત કલેક્ટર પર ધસી ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું.

આજે તા. 22 ઓગસ્ટના રોજ કામરેજના અગ્રણીઓ અને રહીશો કલેક્ટર કચેરી પર મોરચો લઈ પહોંચ્યા હતા. આ લોકો કામરેજને સુરત મનપામાં સમાવી લેવા માંગ કરી રહ્યાં છે. આ મામલે તેઓએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે.

આ મામલે કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જે.ડી. કથીરિયાએ કહ્યું કે, કલેક્ટર કચેરી પર મોરચો લઈ આવેલા લોકોમાં મોટા ભાગના કામરેજ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં વર્ષોથી રહે છે. છેલ્લાં એક દાયકામાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી વધીને 3 લાખના આંકડાને પાર કરી ગઈ છે. પરંતુ હજુ સુધી કામરેજમાં વસ્તી અનુસાર ટાઉન પ્લાનિંગ કરાયું નથી, જેના લીધે કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક સમસ્યાઓ ઉભી થઈ છે.

આ વિસ્તારમાં રસ્તા સારા નથી. મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. શાસકોને અવાર નવાર જાણ કરવાં છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે.

આ ઉપરાંત આર એન્ડ બી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી. આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઈટના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવેદનકર્તાઓએ કામરેજમાં સરકારી સ્કૂલ શરૂ કરવા, સર્વિસ રોડ ખુલ્લા કરવા, સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા સહિતની માંગણી કરી છે.

Most Popular

To Top