SURAT

જૂની બોમ્બે માર્કેટમાં શૂટ-શેરવાનીની દુકાનમાં આગ લાગી, 70થી વધુ માર્કેટને નોટિસ

સુરત: શહેરના સહરા દરવાજા પાસે આવેલી જૂની બોમ્બે માર્કેટમાં આજે આગની ઘટના બની હતી. એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે દુકાનમાં આગ ફાટી નીકળી હતી. દુકાનમાં મુકેલો શૂટ-શેરવાની સહિતના કાપડનો જથ્થો બળીને ખાક થયો હતો. કોલ મળતા જ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આગની ઘટનાને પગલે માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દુકાનદારો દુકાન બંધ કરી ભાગવા લાગ્યા હતા. એસીમાં શોર્ટ સર્કિટ થવાના લીધે દુકાનમાં આગ લાગી હોવાની વિગતો જાણવા મળી છે.

શહેરની 70થી વધુ કાપડ માર્કેટને ફાયરની નોટિસ
શહેરમાં ઉનાળામાં આગની ઘટનાઓ ખૂબ વધી છે. દરમિયાન કાપડ માર્કેટમાં આગની ઘટના બને તો ફાયર બ્રિગેડને પહોંચવામાં મુશ્કેલી નડે છે. કાપડ માર્કેટની નાની ગલીઓમાં ફાયરનો બંબો જઈ શકતો નથી. વળી, અનેક માર્કેટોમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નથી. અગાઉ અનેકોવાર ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં માર્કેટના સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરાવતા નથી. આથી ફાયર બ્રિગેડે 70થી વધુ કાપડ માર્કેટોને નોટિસ ફટકારી છે. આ વખતે ફાયર બ્રિગેડ કાપડ માર્કેટો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મનપા દ્વારા હાલ પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમાં તમામ ઝોનમાં રોડ, ગટર, પાણી સહિતની સુવિધાઓ ડિસ્ટર્બ નહીં થાય તેની તૈયારી ચાલી રહી છે. ખાડીઓમાંથી કચરો કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે ફાયર વિભાગે પણ પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી છે.

વરસાદની સિઝનમાં શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ બનતી હોય છે, તેથી જે માર્કેટોમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલ્બ્ધ નથી ત્યાં તપાસ શરૂ કરાઈ છે. જેના અનુસંધાને 70થી વધુ કાપડ માર્કેટોને ફાયર એનઓસીને મામલે નોટિસ ફટકારાઈ છે.

Most Popular

To Top