નડિયાદ: છેલ્લાં કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોના ગળું કાપી હત્યા કરવામાં આવી રહી છે. સતત વધતાં જતાં આવા બનાવો વચ્ચે મહેમદાવાદના બે વિધર્મી ભાઈઓએ ક્રિકેટ રમવા મુદ્દે થયેલી તકરારમાં એક યુવકને ગળું કાપી મારી નાંખવાની ધમકીઓ આપતાં મામલો ગરમાયો છે. આ મામલે યુવકની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે ધમકી આપનાર બંને વિધર્મીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદમાં આવેલ પૂજન હોસ્પિટલ પાછળ રહેતો ૨૪ વર્ષીય વિજય પ્રકાશભાઈ વાઘેલા ચા ની લારી પર મજુરીકામ કરી ગુજરાન ચલાવે છે. ગત રવિવારના રોજ બપોરના સમયે નવરાશની પળોમાં તે મિત્રો સાથે ગામમાં આવેલ સોનાવાલા હાઈસ્કુલની ખુલ્લી જગ્યામાં ક્રિકેટ રમવા ગયો હતો. તેઓ બધાં મિત્રો ભેગા થઈને ક્રિકેટ રમવાનો આનંદ માણી રહ્યાં હતાં. દરમિયાન બપોરના ત્રણ વાગ્યાના અરસામાં અલ્લારખાંભાઈ ફકીરભાઈ અને નબુભાઈ ફકીરભાઈ (બંને રહે.ખાત્રજ દરવાજા, મહેમદાવાદ) પણ ત્યાં ક્રિકેટ રમવા પહોંચ્યાં હતાં અને વિજય તેમજ તેના મિત્રો સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં. જોકે, ઝઘડો ઉગ્ર બને તે પહેલાં વિજય અને તેના મિત્રો તે જગ્યા છોડી બહાર જવા લાગ્યાં હતાં.
દરમિયાન અલ્લારખાં અને નબુભાઈએ અહીંયા અમારા સિવાય કોઈએ ક્રિકેટ રમવી નહીં અને જો રમવી હોય તો અમે કહીએ તેમ જ કરવું પડશે તેવું જણાવ્યું હતું. તેમજ જો તું ઢાળમાં દેખાઈશ તો તારૂ ગળું કાપી મર્ડર કરી નાંખીશું તેવી ધમકીઓ વિજય વાઘેલાને આપી હતી. આ બનાવ અંગે વિજય પ્રકાશભાઈ વાઘેલાની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે અલ્લારખાંભાઈ ફકીરભાઈ અને નબુભાઈ ફકીરભાઈ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.