Gujarat

લૉ પ્રેશરના કારણે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલા દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ઓરિસ્સા (North Orissa) ઉપર એક લો-પ્રેશર (Low-pressure) સક્રિય થતા રાજસ્થાન (Rajasthan) અને મધ્યપ્રદેશમાં (Madhaypradesh) મોન્સૂન ટ્રફ રચાયો છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરોથી ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. જ્યારે અમદાવાદમાં 5થી10 જુલાઈ દરમિયાન 5થી8 ઈંચ વરસાદ પડી શકે છે. તેમજ હવામાન વિભાગે 5થી 7 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

7 અને 8 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
હવમાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ રહેશે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. મોટાભાગના વિસ્તારોમાં 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ સારો વરસાદ પડવાની સંભાવના છે તેમજ 8મીએ કડાકાભડાકા સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર  ડૉ.મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે તેમજ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 6 જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે.

ગુજરાતમાં અત્યારસુધી 16.44 ટકા વરસાદ વરસ્યો
ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 10.86 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો કુલ 10.54 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કુલ 18.85 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 21.03 ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યારસુધી 16.44 ટકા અને સરેરાશ 139.73 એમ.એમ. વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 156 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં જૂનમાં ચોમાસું સિસ્ટમ નબળી રહેવા પામી હતી. તેમાંયે ખાસ કરીને અમદાવાદ તથા ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી હતી. હવે જુલાઈમાં અરબી સમુદ્ર પરથી સરકીને લો પ્રેશર સિસ્ટમ આવી છે. જેના પગલે એક લાંબો વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આગામી બે દિવસમાં સુરત, નવસારી, વલસાડ, વાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે પશ્વિમ દિશા તરફ આગળ વધશે. જેના પગલે ગુજરાતમાં સારો એવો વરસાદ આવશે. રવિવારે દિવસ દરમિયાન હાલમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર તરફ વરસાદનું જોર જોવા મળ્યું હતું.

Most Popular

To Top