Gujarat

બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન, અમદાવાદમાં ભારે ગરમીમાં મતદારોની લાઈન લાગી

ગાંધીનગર: સુરત લોકસભા બેઠક પર ભાજપની બિનહરિફ વિજય થયા બાદ ગુજરાતની 25 લોકસભા બેઠક પર આજે 7 મે 2024ને મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. 25 લોકસભા બેઠક પર કુલ 266 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ચાર કલાક બાદ એટલે કે 11 વાગ્યે રાજ્યમાં સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 અને સૌથી ઓછું પોરબંદરમાં 19.83 ટકા વોટિંગ થયું હતું. અમદાવાદમાં 36 ડિગ્રી ગરમી વચ્ચે સવારે 11 વાગ્યે લાંબી લાઈન લાગી હતી.

આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23, આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં ક્ષત્રિયો વિશે વિવાદાસ્પદ નિવેદન કરનાર પરસોત્તમ રુપાલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખ માંડવીયા સહિતના ચાર કેન્દ્રિય મંત્રીનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે.

મતદાન નિયત સમયે સવારે 7 વાગ્યે શરૂ થયું હતું. આકરી ગરમીથી બચવા ગુજરાતીઓએ વહેલી સવારથી જ મતદાન મથકો પર જઈ મત આપવાની ફરજ પુર્ણ કરી હતી. પહેલાં બે કલાકમાં ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું હતું. બનાસકાંઠામાં સૌથી વધુ 12.78 ટકા અને અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું 7.23 ટકા વોટિંગ થયું હતું.

વડાપ્રધાન મોદીએ અમદાવાદીઓને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં અમદાવાદના નિશાન વિદ્યાલયના મતદાન કેન્દ્ર પરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. વડાપ્રધાનએ લોકશાહીના આ ચુનાવ મહાપર્વમાં સૌ નાગરિકોને ઉમળકાભેર મતદાન કરવા અપીલ પણ કરી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે શીલા પ્રાથમિક શાળામા મતદાન કર્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મતદાન બાદ અમિત શાહે મીડિયા જોગ સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, મંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક નેતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ગાંધીનગરમાં ઢોલ-નગારા સાથે વાજતેગાજતે મતદારો મતમથકો પર પહોંચ્યા
ગાંધીનગરની સેક્ટર 21 માં આવેલી મહાવીરનગર સોસાયટીના સર્વે રહીશો દ્વારા ઘરે આંગણેથી મતદાન મથક સુધી ઢોલ વગાડતા વગાડતા આવ્યા હતા અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આ કરવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે સોસાયટીના સભ્યોએ કહ્યું હતું કે અમે અમારી સોસાયટીમાં સો ટકા મતદાન કરવાના છીએ અને રાજ્ય ચૂંટણી પંચની લોકશાહીના અવસરમાં સહભાગી થવા અમે તૈયાર થઈ ગયા છીએ.

મુખ્ય સચિવે ગાંધીનગરમાં વોટ આપ્યો
રાજયના મુખ્ય સચિવ રાજ કુમારે ગાંધીનગર સેક્ટર ૧૯ મતદાન મથકે વોટ આપી નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં પોતાનો મત આપવા અપીલ કરી હતી. તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મહત્તમ નાગરિકો પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે.

આણંદના લોકસભાના ઉમેદવાર અમિત ચાવડા પરિવાર સાથે કેશવપુરા,આંકલાવ ખાતે મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા.

લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ગાંધીનગર સેકટર-9ના મતદાન મથક ખાતે સપરિવાર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Most Popular

To Top