Columns

આગળ વધવા માટે

એક મુસાફર જંગલમાંથી પસાર થતો હતો.અંધારું થવામાં હતું એટલે અંધારું થાય તે પહેલાં તે કોઈ સુરક્ષિત સ્થળે પહોંચવા માંગતો હતો એટલે તેણે પગ ઉપાડ્યા.લગભગ દોડવા લાગ્યો.એક બાજુ અંધારું છવાઈ રહ્યું હતું અને બીજી બાજુ માણસનો દોડતાં દોડતાં પગ લપસ્યો અને તે ગબડવા લાગ્યો.ગબડતાં ગબડતાં તે નીચે જઈ રહ્યો હતો ત્યાં બચવા માટેના ફાંફા મારતાં મારતાં તેના હાથમાં એક ઝાડની ડાળી આવી ગઈ અને તેણે તે સજ્જડ પકડી લીધી.

મનમાં એક હાશકારા સાથે તેણે ઈશ્વરનો આભાર માન્યો.પછી તેણે મદદ માટે બચાવો ..બચાવોના પોકાર કર્યા ….પણ સાવ અંધારું થઇ ગયું હતું એટલે રાતના સમયે કોઈ ત્યાં આવે કે પસાર થતું હોય અને અવાજ સાંભળે તેવી શક્યતા નહીંવત્ હતી.થોડી વાર બૂમો પાડીને તે ચૂપ થઈ ગયો અને તેણે બે હાથે ડાળીને સજ્જડ પકડી રાખી.સવાર પડશે તો કોઈક આવશે અને આવીને મને અહીંથી બચાવશે તેવા વિચારો સાથે હાથ અને ખભાના કોઈ દુખાવાની પરવા કર્યા વિના બચવાની આશા સાથે  રાતભર લટકતો રહ્યો.

સવાર પડી અને સૂરજનું અજવાળું થતાં જ તેણે મદદ માટે બૂમ પાડવાનું વિચાર્યું.હજી બચાવો બચાવોની બૂમ પડે તે પહેલાં તેની નજર પડી તો જમીન તેના પગથી માત્ર બે ફૂટ જ નીચે હતી.બહુ થોડું અંતર હતું તેની અને જમીન વચ્ચે.એટલે જો તે ગબડતાં ગબડતાં પડત તો પણ જમીન પર પહોંચી જાત અને બચી જાત.બચવા માટે તેણે ડાળી પકડીને રાતભર લટકતા રહેવાની…કોઈને બૂમો પાડવાની કે સવારના કોઈ આવશે અને બચાવશે તેવી કોઈ જરૂરત જ ન હતી.તે જાતે જ બચી શક્યો હોત.

પણ જંગલ ..અંધારું ..ખીણ …અચાનક ગબડવું …પડીને ઘાયલ થવાનો કે મરી જવાનો ડર તેને બીજાની મદદ માંગવા મજબુર કરી રહ્યો હતો.તે માની ચૂક્યો હતો કે તેને કોઈ આવીને બચાવશે તો જ તે બચશે, નહિ તો નહિ બચી શકે. આ એક દૃષ્ટાંત છે. આપણા બધાના જીવનમાં આવું જ સુખ ..શાંતિ …સફળતા વિષે  આવું જ થાય છે …તે આપણી પાસે જ હોય છે ..આપણી અંદર જ હોય છે.પણ આપણે સતત કોઈ આવે અને મદદ કરે ..કે હાથ ઝાલીને આગળ લઇ જાય તેની રાહ જોતાં લટકતાં રહીએ છીએ.ડર છોડી નિડર બનો અને આત્મવિશ્વાસ અને હિંમતથી જાત મહેનતે આગળ વધતાં રહો. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top