Madhya Gujarat

એક મંડપમાં ખાતમૂહુર્તનો કાર્યક્રમ અને સામે બીજા મંડપમાં વિરોધ રેલાયો

કણજરીમાં ‘પત્રિકા પોલીટીક્સ’ : સરકારી કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખને મહેમાન બનાવતા કોંગ્રેસે વિરોધ કર્યો

નડિયાદ તાલુકાના કણજરીમાં એક સરકારી કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખને મુખ્ય મહેમાન દર્શાવતા કાર્ડે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જિલ્લા ભાજપ પ્રમુખને મુખ્ય મહેમાન બનાવાયા તો કોંગ્રેસના જિલ્લા મહામંત્રીએ વિરોધ શરૂ કર્યો. આ પ્રકરણ એટલા હદે ચર્ચાનો વિષય બન્યુ કે જિલ્લા ભાજપ પ્રમુખ આ કાર્યક્રમથી દૂર રહ્યા. તો એકતરફ આ કાર્યક્રમ ચાલ્યો અને સામે બીજીતરફ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. જેના કારણે કણજરીમાં રાજકારણ ગરમાયુ હતુ.
કણજરી નગરપાલિકાનો આજે એક જાહેર સરકારી કાર્યક્રમ હતો. જેમાં તળાવ બ્યુટીફીકેશનથી માંડી અંબિકા ગાર્ડનના રીનોવેશનના કામનું ખાતમૂર્હ્ત કરવાનું હતુ. આ કાર્યક્રમ પહેલા ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોએ એક આમંત્રણ પત્રિકા છપાવડાવી હતી. જે પત્રિકાને લઈ પોલીટીક્સ શરૂ થયુ. આ પત્રિકામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને મુખ્ય અતિથિ દર્શાવાયા હતા. આ મુદ્દાને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને કણજરીના અગ્રણી મહેન્દ્રસિંહ રાણાએ પકડી લીધો અને આ મામલે કણજરીના સત્તાધારીઓ સામે મોરચો માંડ્યો. 2 દિવસથી આ મામલે વિરોધના વંટોળ હોય, આજે કાર્યક્રમના દિવસે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળની નજીક જ વિરોધનું એલાન કર્યુ હતુ. જેથી કાર્યક્રમથી જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અડગા રહ્યા હતા. પરંતુ કોંગ્રેસે પોતે વિરોધ અર્થે આપેલુ વચન પાળ્યુ અને આજે કણજરીમાં જે સ્થાને સરકારી કાર્યક્રમ હતો, તેની સામે જ વિરોધનો મંડપ બાંધી દીધો હતો. એકતરફ ખાતમૂર્હ્ત માટેનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જ્યાં ગણતરીના લોકો હાજર રહ્યા હતા, તેની સામે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં લોકો જોડાયા હતા અને સત્તાધારી પક્ષની નીતિનો વિરોધ કર્યો હતો.

Most Popular

To Top