Anand

આણંદના મંગળપુરામાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી બે આરોપી ઝડપાયા, દાગીના રિકવર
આણંદ:
આણંદ શહેરના મંગળપુરા રોડ પર આવેલા બંગલામાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ આણંદ ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના રિકવર કરવામાં સફળતા મેળવી છે.
મળતી માહિતી મુજબ, મંગળપુરા રોડ પર આવેલા ‘પરમદ્રષ્ટી બંગલોઝ’માં ગત 4 મે થી 5 મે, 2026 દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી તિજોરીમાંથી આશરે સાડા ત્રણ તોલા સોનાના દાગીના, જેની કિંમત અંદાજે રૂ. 8.50 લાખ થાય છે તેમજ આશરે એક કિલો ચાંદીના દાગીના, કિંમત રૂ. 2 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઘટના અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા જિલ્લા પોલીસ અધીક્ષક જી.જી. જસાણીએ આરોપીઓને ઝડપી પાડવા ખાસ સૂચના આપી હતી.
નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પી.આઈ. વી.ડી. ઝાલા અને સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા તેમજ હ્યુમન સોર્સના આધારે મુખ્ય આરોપી વિપુલ નટુભાઈ તળપદા (રહે. મંગળપુરા, આણંદ)ને ઓળખી તેની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન વિપુલે ચોરીના મુદ્દામાલમાંથી સોનાની ચેઈન અને વીંટી તેના મિત્ર રણજીતસિંહ સોલંકી (રહે. આદરૂજ, તા. તારાપુર)ને વેચવા માટે આપ્યાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે સહ-આરોપી રણજીતસિંહની પણ અટકાયત કરી છે.
પોલીસે બન્ને આરોપીઓ પાસેથી સોનાની બે ચેઈન, ચાર વીંટીઓ, સોનાની બુટ્ટીઓ તેમજ ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ, આઠ લગડીઓ, 20 સિક્કા, પગના છડા અને ઝાંઝરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સફળ કામગીરીમાં આણંદ ટાઉન પોલીસના સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે.

Most Popular

To Top