Vadodara

વડોદરામાં ફરી જોખમી સવારી,નટુભાઈ સર્કલથી ગોત્રી રોડ પર જતા JCBનો વીડિયો વાયરલ

જેસીબીની આગળ-પાછળ 10 થી વધુ શ્રમિકોને બેસાડાયા,ચાલકે ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવ્યા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.12

વડોદરામાં ફરી એકવાર જેસીબી મશીનમાં જોખમી સવારીનો વીડિયો સામે આવ્યો છે. નટુભાઈ સર્કલથી ગોત્રી જવાના માર્ગ પર જેસીબી ચાલકે શ્રમિકોના જીવ જોખમમાં મૂકીને ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક જેસીબી મશીનના આગળના બકેટમાં ચાર મહિલા અને એક પુરુષ શ્રમિક બેઠેલા છે. એટલું જ નહીં, જેસીબીના પાછળના ભાગે પણ પાંચથી વધુ શ્રમિકોને બેસાડવામાં આવ્યા છે. ચાલક ભરચક ટ્રાફિક વચ્ચે આ રીતે 10 થી વધુ શ્રમિકોને લઈને બેફામ જેસીબી હંકારી રહ્યો છે. જેસીબી જેવા ભારે મશીનમાં મુસાફરોને બેસાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આગળના બકેટમાં બેસાડેલા શ્રમિકોનું સંતુલન બગડે કે બ્રેક મારતા જ નીચે પટકાવાનું જોખમ રહે છે. છતાં ચાલકે પૈસા બચાવવા કે સમય બચાવવા શ્રમિકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

અવારનવાર આવા વીડિયો સામે આવવા છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર આવા જોખમી દૃશ્યો જોવા મળે છે, પરંતુ નિયમોનું પાલન કરાવવામાં તંત્ર નિષ્ફળ જણાય છે. હાલ પોલીસ વીડિયોના આધારે જેસીબી અને ચાલકની શોધખોળ કરી રહી છે.

Most Popular

To Top