Dakshin Gujarat

‘તમે આદિવાસીઓ અહીં કેમ ફરો છો?’, કહી કોલ્ડ્રીંક્સ લેવા જતા યુવક પર કોસંબામાં તલવારથી હુમલો

હથોડા: કોસંબામાં મોડી સાંજે બાઇક પર ઠંડું પીણું લેવા જઈ રહેલા યુવાન ઉપર જાહેરમાં તલવાર વડે હુમલો થતાં ગંભીર ઇજા પહોંચી હતી.

ઘટનાની વિગત એવી છે કે, કોસંબાના તલાવડી ફળિયામાં રહેતા પ્રવીણભાઈ રોહિત ભરતભાઈ વસાવા સાંજના સાડા સાત વાગ્યાના સમયે તેની માસીના પુત્ર સોહનભાઈ વિજયભાઈ વસાવા સાથે મોટરસાઇકલ લઈને કોસંબા પંચાયત કચેરી નજીક આવેલી દુકાને ઠંડું પીણું લેવા માટે જતો હતો. ત્યારે કોસંબામાં રહેતા હનીફ ઉર્ફે સફિયો ચીનો શેખ અને મહંમદ ઝેડ દેસાઈએ મોટરસાઇકલ ઊભી રખાવી જણાવ્યું કે, તમે આદિવાસીઓ અહીં કેમ ફરો છો? કહી ગાળો બોલી ઢીકામુક્કીનો માર માર્યો હતો.

બાદ સફિયા ચીનાએ કારમાંથી તલવાર કાઢી પ્રવીણના માથામાં તલવારનો ઘા કરતાં પ્રવીણ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. તલવારનો બીજો ઘા કરતાં પ્રવીણના સાથીદાર સોહનને હાથના ભાગે વાગી હતી. જાહેરમાં બનાવ બનતાં લોકટોળું ભેગું થતાં આજે તો તો બચી ગયો છે, કોઈક દિવસ મળશે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. તલવારથી હુમલો થતાં પ્રવીણના માથામાં 10 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી તલવારથી હુમલો કરનાર હનીફને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જ્યારે બીજો આરોપી મહંમદ ઝેડ દેસાઈ ભાગી છૂટતાં પોલીસે તેને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યાં છે. કોસંબા પંચાયત નજીકના ભરચક એરિયામાં જાહેરમાં તલવારથી હુમલો થતાં વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

Most Popular

To Top