SURAT

સુરતની અભિષેક માર્કેટમાં એક સાથે 150થી વધુ દુકાનોને સીલ મારી દેવાતા ખળભળાટ મચી ગયો

સુરત(Surat): સુરત મહાનગર પાલિકાના (SMc) ફાયર વિભાગ દ્વારા રીંગ રોડ ઉપર આવેલી અભિષેક માર્કેટ ની વધુ 150 જેટલી દુકાનો સીલ કરી દેવામાં આવતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. તમામ દુકાનો સાડીઓ, ડ્રેસના કાપડ મટીરીયલનું વેચાણ કરતી હતી. અભિષેક માર્કેટ ગ્રાઉન્ડ + 4 માળનું છે. જેમાં ફાયર સેફ્ટી અને ફાયર એન.ઓ.સી ‘ ન ‘ હોવાથી અને જાહેર સલામતીને ધ્યાનમાં લઈ સીલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અગાઉ પણ અભિષેક માર્કિટ માં ફાયર બ્રિગેડ દ્વારા માર્કેટમાં સીલ મારવામાં આવ્યુ હતું. માર્કેટ કમિટી દ્વારા ફાયર સિસ્ટમ કરવાની વાતો કરાતા માર્કેટ ચાલુ કરવામાં આવી હતી. જોકે માર્કેટ દ્વારા ફાયર સિસ્ટમ અધૂરી હાલત માં ફાયર સિસ્ટમ લગાવી કામ છોડી દીધેલું અને ફાયર બ્રિગેડ દ્વારા ત્યાં અવાર નવાર નોટિસ આપવામાં આવી હતી પરતું માર્કેટ દ્વારા કોઈ પગલા લેવામા નહીં આવતા આખરે આજ રોજ મધરાત્રે ફરીથી રીંગરોડ મિલેનિયમ માર્કેટની પાછળ આવેલી અભિષેક માર્કેટને જાહેર સલામતીને ધ્યાનમાં લઈ સીલ કરવામાં આવી છે.

અગાઉ મોલ અને પાંચ હોટલ સીલ કરાઈ હતી
આ અગાઉ પાલ ગૌરવપથ રોડ પર બેઝમેન્ટમાં આવેલા ગુજ્જ ફર્નિચર મોલને તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાંચ હોટલોને સીલ મારવામાં આવ્યું હતું. ગૌરવ પથ પાલ રોડ પર શેવિયોન શોપિંગ પેરેડાઈઝમાં આવેલા ગુજ્જુ બજાર ફર્નિચર મોલના સંચાલક-વહીવટદારો દ્વારા ફાયર સુવિધા નહી હોવાથી કે અપૂરતી હોવાનું સર્વે કરાયા બાદ આજ રોજ બુધવારે વહેલી સવારે સીલીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અગાઉ સોમવારે સુરત શહેરમાં પાંચ હોટલોને સીલ મારી દેવાયા હતા. આ હોટલોમાં નિયમ અનુસાર ફાયર સેફ્ટીના સાધનો નહોતા. નોટીસ અપાયા બાદ પણ હોટલ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો મુકવામાં નહીં આવતા આખરે સુરત મહાનગરપાલિકા હેઠળના ફાયર વિભાગે હોટલોને સીલ મારી દીધું હતું. ફાયર વિભાગે માય પી.જી. ગેસ્ટ હાઉસ, ગુલામબાબા મીલ કમ્પાઉન્ડ, રેલવે સ્ટેશનની સામે (10 રૂમ સીલ), હોટલ ડાયમંડ પ્લાઝા, કિંગ હેરીટેજ હોટલની બાજુમાં, દિલ્હીગેટ સુરત (6 રૂમ સીલ), હોટલ ગ્રાન્ડ વ્યુ, પાલનપુર કેનાલ રોડ સામે, કટારીયા વર્કશોપની સામે ઈન્ફિનિટી બિલ્ડિંગના ચોથા માળે (4 રૂમ સીલ), હોટલ બ્લુ બેરી રૂમ, રોયલ ટાઈટેનિયમ, પાલનપુર કેનાલ રોડ, સુરત, હોટલ સ્કાય પેલેસ, રોયલ ટાઈટેનિયમ પાલન પુર કેનાલ રોડ, સુરત (6 રૂમ સીલ)ને સીલ માર્યા હતા.

Most Popular

To Top