Vadodara

ગ્રામ્ય LCBએ ભરથાણા નજીકથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો

વડોદરા: વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા બાતમીના આધારે મોટી માત્રામાં આઇશર ભરેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂ પોલીસથી સંતાડવા માટે આરોપીઓ દ્વારા ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જો કે, વડોદરા ગ્રામ્ય પોલીસ સામે આરોપીની ચાલાકી ઉંધી પડી હતી. અને સમગ્ર કાર્યવાહી કરવામાં પોલીસને સફળતા મળી છે. બુધવાર રાત્રે પીએસઆઇ આર. બી. વનાર સહિતની એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન આઇસરમાં મોટી માત્રામાં દારૂ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી.

જેને ધ્યાને રાખીને એલસીબીની ટીમ ભરથાણા ટોલનાકા નેશનલ હાઇવે નં. 48 પર કરજણથી વડોદરા તરફના રસ્તે વોચમાં હતી. તેવામાં બાતમીને મળતી આવતી આઇશર ગાડી જોવા મળતા તેની અટકાયત કરવામાં આવી હતી. આ આઇશરમાંથી એક ચાલક મળી આવ્યો હતો. જેનું નામ તેણે મનોહરલાલ માલારામ બિશ્નોઇ જણાવ્યું હતું. તેને સાથે રાખીને એલસીબીની ટીમો દ્વારા આઇશર ટેમ્પામાં તપાસ કરી હતી. તપાસમાં ટેમ્પાના પાછળના ભાગમાં તાડપતલી બિછાવી દેવામાં આવી હતી. તાડપરતી હટાવી જોતા પાછળનો ભાગ ખાલી હોવાનો માલુમ પડ્યો હતો.

પરંતુ ડ્રાઇવર કેબિન તરફ શંકા જતા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં બનાવેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે વિદેશ દારૂની 209 પેટીઓમાંથી 2508 નંગ બોટલ ઝડપી પાડી છે. જેની કિંમત રૂ. 10.03 લાખ થાય છે. આ સાથે જે મોબાઇલ. આઇસર અને જીપીએસ જપ્ત કરવામાં આવ્યા છે. ડ્રાઇવરની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, ભંવરલાલ બિશ્નોઇ દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેને પંજાબના લુધીયાણા ખાતે મોકલ્યો હતો. ત્યાંથી આઇશર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપવામાં આવ્યો હતો. અને તેને વડોદરા પહોંચીને ફોન કરવા માટે જણાવ્યું હતું.

Most Popular

To Top