Columns

અમેરિકાની કંપનીઓમાં નોકરી ગુમાવનારાં હજારો ભારતીયોને સ્વદેશ પાછાં ફરવું પડશે?

ટેક જાયન્ટ કંપનીઓ દ્વારા કર્મચારીઓની હકાલપટ્ટી કરવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તેનું સૌથી વધુ નુકસાન ભારતનાં નાગરિકોને થવાનું છે. એક અંદાજ મુજબ ટેક જાયન્ટ કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં દુનિયાભરમાં આશરે ૧,૨૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યાં છે, જેમાંનાં મોટા ભાગનાં ભારતીયો હોવાની સંભાવના છે. ટેક જાયન્ટ કંપનીઓ દ્વારા ભારતનાં કેટલાં કર્મચારીઓને છૂટાં કરવામાં આવ્યાં છે તેના આંકડા બહાર પાડવામાં આવ્યા નથી, પણ અમેરિકામાં રહીને ઇમિગ્રેશનનું કામ કરતાં સ્વાતિ ખંડેલવાલ કહે છે કે મોટા ભાગનાં ભારતનાં નાગરિકો અમેરિકામાં એચ-વન-બી વીસા પર હોવાથી તેમને સૌથી વધુ અસર થશે.

અમેરિકાની જે કંપનીઓ સ્થાનિક નાગરિકોને નોકરીમાં નથી રાખતી તેઓ બીજા દેશનાં નાગરિકોને એચ-વન-બી વીસા પર ૬ વર્ષ સુધી નોકરીમાં રાખી શકે છે. આ વીસા ધરાવતાં લોકો અમેરિકામાં મિલકત ખરીદી શકે છે અને કાયમી નાગરિકતા માટે અરજી પણ કરી શકે છે. જો નોકરી ગુમાવનારાં ભારતીયો ૬૦ દિવસમાં બીજી નોકરી નહીં શોધી શકે તો તેમણે ફરજિયાત ભારત પાછા ફરવું પડશે. સુરભિ ગુપ્તા નામની ભારતીય એન્જિનિયર યુવતી ૨૦૦૯થી અમેરિકામાં નોકરી કરે છે. ૨૦૧૮માં તે મિસ ભારત- કેલિફોર્નિયાનો તાજ જીતીને ભારતમાં પણ જાણીતી થઈ ગઈ હતી.

તાજેતરમાં નેટફ્લિક્સના ઇન્ડિયા મેચમેકિંગ શોમાં પણ તે ચમકી હતી. મેટા કંપનીમાં જોબ કરતી સુરભિને સવારે ૬ વાગ્યે ઇમેઇલથી જણાવવામાં આવ્યું હતું કે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. તેના કોમ્પ્યુટરનો પાસવર્ડ પણ કંપનીએ બદલી કાઢ્યો હતો. તેને ઓફિસના જીમમાં પ્રવેશ કરવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. સુરભિ હતાશામાં ગરકાવ થઈ ગઈ હતી. સુરભિ જેવો અનુભવ અમેરિકામાં કામ કરતાં હજારો ભારતીયોને થઈ રહ્યો છે. જેમની નોકરી ગઈ નથી તેઓ પણ ટેન્શનમાં જીવી રહ્યાં છે, કારણ કે ગમે ત્યારે તેમની પણ હકાલપટ્ટી થઈ શકે છે.

અમેરિકામાં નોકરી ગુમાવનારાં ભારતીયો સામે હવે બે પડકાર ઊભા થયા છે. એક, તેમણે નવી નોકરી શોધવી પડશે. બે, તેમના વીસા નવા માલિકોના નામે તબદિલ કરવા કાનૂની વિધિ કરવી પડશે. અત્યારે એક સાથે ઘણાં બધાં કર્મચારીઓને છૂટાં કરવામાં આવ્યાં હોવાથી નવી નોકરી શોધવી બહુ કઠિન છે. તેઓ જ્યાં પણ નોકરી કરવા જશે ત્યાં તેમની ગરજનો લાભ ઉઠાવવામાં આવશે. તેમને હાલની નોકરી કરતાં ઓછા પગારે નોકરી કરવાની ફરજ પડશે.

વળી નોકરી બદલ્યા પછી પણ તેમના વીસા નવા માલિકોના નામે ટ્રાન્સફર કરવા માટે કાનૂની પ્રક્રિયા કરવી પડશે. નવી કંપની તેનો ખર્ચો ઉઠાવવા તૈયાર ન હોય તો ગાંઠના ગોપીચંદન કરવાની તૈયારી રાખવી પડશે. જો નવી નોકરી શોધ્યા પછી પણ ૬૦ દિવસમાં તેમની વિધિ પૂરી નહીં થાય તો તેમણે ભારત પાછા ફરવું પડશે અને બાકીનું પેપરવર્ક ભારતમાં રહીને પૂરું કરવું પડશે. ભારતમાં વીસાની અરજી માટે લાંબું વેઇટિંગ લિસ્ટ છે. અમુક કિસ્સાઓમાં તો ૮૦૦ દિવસ પછી મુલાકાત આપવામાં આવે છે.

ગુજરાતમાં ભણેલી સૌમ્યા ઐયર અમેરિકાની લિફ્ટ નામની ટેક્સી શેરિંગ એપની કંપનીમાં  કામ કરતી હતી. તે સ્ટુડન્ટ લોન લઈને ભણી હતી. તેનામાં વિશિષ્ટ ટેલન્ટ હોવાને કારણે તે ઓ-વન વીસા પર અમેરિકા આવી હતી. તેણે લિફ્ટ કંપનીની કમાણી પણ વધારી આપી હતી. બીજાં હજારો ભારતીયોની જેમ તેને પણ અચાનક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેના એક મિત્રે અને તેની પત્નીએ પણ તે જ દિવસે નોકરી ગુમાવી હતી. તેઓ હવે એકબીજાને આશ્વાસન આપી રહ્યાં છે. કોરોના જેવી મહામારીમાં પણ જેઓ અમેરિકામાં ટકી ગયાં હતાં તેમણે હવે બિસ્તરા-પોટલાં પેક કરવાનો સમય આવ્યો છે. સૌમ્યા ઐયર જો ૬૦ દિવસમાં નવી નોકરી નહીં શોધી શકે તો તેણે ભારત પાછા ફરવું પડશે. સૌમ્યાએ ગુજરાતમાં રહેતાં માતાપિતાને હજુ તેની જાણ કરી નથી.

અમેરિકાના કાયદા મુજબ કોઈ પણ કંપની પોતાના કર્મચારીને છૂટા કરે તો તેમને ૬૦ દિવસની નોટિસ આપવી પડે છે. આ ૬૦ દિવસનો પિરિયડ પૂરો થાય તે પછી બીજા ૬૦ દિવસમાં તેમણે નોકરી શોધી કાઢવી પડે છે, પણ અમેરિકાની ટેક જાયન્ટ કંપનીઓ આ કાયદાની પણ ઉપેક્ષા કરી રહી છે. ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને ૬૦ દિવસને બદલે ૩૦ દિવસની જ નોટિસ આપી છે. આ ૩૦ દિવસનો પગાર આપીને તેમને તાત્કાલિક કામ પર આવતાં રોકવામાં આવ્યા છે. જો કર્મચારી તેની સામે કોર્ટમાં જાય તો વકીલનો ખર્ચો તેને પરવડતો નથી. આ કારણે તેને નવી નોકરીમાં ગોઠવાઈ જવાના ૯૦ દિવસ મળે છે. તેટલા દિવસમાં પહોંચી વળવું કઠિન છે.

ભારતના નમન કપૂરે અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા માટે ભારતની બેન્કમાંથી લોન લીધી હતી. મેટા કંપનીમાં ઇન્ટરવ્યૂના અનેક રાઉન્ડમાં પાસ થયા પછી તેમને નોકરી મળી હતી, જેમાંથી તેઓ લોનના હપ્તા ભરતા હતા. મેટા કંપનીમાં સાત જ સપ્તાહ નોકરી કર્યા પછી તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. નમન કપૂર અમેરિકામાં એફ-વન વીસા પર આવ્યા હતા. તેમાં વર્ષમાં ૯૦ દિવસ નોકરી ન હોય તો પણ અમેરિકામાં રહેવાની છૂટ આપવામાં આવે છે. નમન કપૂરને મેટા કંપની તરફથી ચાર મહિનાનો પગાર આપવામાં આવશે, પણ તેમણે ૯૦ દિવસમાં નોકરી શોધી લેવી પડશે. જો તેમને નવી નોકરી નહીં મળે તો તેમણે ભારત પાછા ફરવું પડશે.

અમેરિકામાં ડિસેમ્બર મહિનો રજાનો મહિનો ગણાય છે. નાતાલની રજાઓ આવતી હોવાને કારણે મોટા ભાગની કંપનીઓ ડિસેમ્બરમાં નવી ભરતી કરતી નથી.  આ કારણે પણ જે ભારતીયોની નોકરી ગઈ છે તેમણે નવી નોકરી મેળવવા નવા વર્ષ સુધી રાહ જોવી પડશે. અમેરિકામાં રહેતાં ઘણાં ભારતીયોએ લોન પર મકાનો પણ ખરીદ્યાં છે. તેના હપ્તા ચૂકવતા તેમના નાકે દમ આવી જશે. જો હપ્તા નહીં ચૂકવી શકે તો મિલકત સસ્તામાં વેચી મારવી પડશે. અમેરિકામાં રહેતાં અને નોકરી ગુમાવી ચૂકેલાં ભારતીયોએ એકબીજાના સંપર્કમાં રહેવા અને મદદ કરવા ઝેનો નામનું ઓનલાઈન પ્લેટફોર્મ તરતું મૂક્યું છે. તેમાં ૨૫ કંપનીઓના આશરે ૧૦૦ ભારતીય કર્મચારીઓ સભ્ય બન્યા છે. તેની મુલાકાત ૧૫,૦૦૦ લોકો લઈ ચૂક્યા છે. ઝેનો પ્લેટફોર્મ તરતું મૂકનારા અભિષેકે લિન્ક્ડઇન પર તેની પોસ્ટ મૂકી તેને ૬ લાખ લોકોએ જોઈ હતી. જે કર્મચારીઓએ મેટા કંપનીમાં નોકરી ગુમાવી હોય તેઓ હવે મેટા-મેટ તરીકે ઓળખાય છે. તેઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર એકબીજાના ખબરઅંતર પૂછે છે અને દુ:ખની વહેંચણી કરે છે.

વિદ્યા શ્રીનિવાસન નામની યુવતીએ મેટામાં નોકરી ગુમાવી ચૂકેલાં લોકો માટે મેટા ગાઇડ બહાર પાડી છે, જેને દસ લાખ લોકોએ વાંચી છે. અમેરિકાની મેટા, એમેઝોન અને ટ્વિટર જેવી કંપનીઓમાં જે બની રહ્યું છે તે આવનારા દિવસોની એંધાણી છે. દુનિયા હાલમાં ધ ગ્રેટ રિસેટના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જેનો કન્ટ્રોલ વિશ્વના ધનકુબરોના હાથમાં છે. આ યોજના મુજબ હાલમાં જેટલી નોકરીઓ મજૂરોના હાથમાં છે તેમાં રોબોટનો પ્રવેશ થશે અને જેટલી નોકરીઓ બુદ્ધિજીવીઓના હાથમાં છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રવેશ થઈ રહ્યો છે. તેવી રીતે કૃષિમાં પણ યાંત્રિકીકરણ આવી રહ્યું છે. હવે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કે કંપનીઓનું સંચાલન કરવા માટે માણસોની જરૂર રહેશે જ નહીં.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top