Columns

વોશરૂમ (બાથરૂમ)… ઘર ઘરની ડેઈલી સોપ ઓપેરા

વોશરૂમ કે રેસ્ટરૂમ એટલે શું? તમારા શરીરનો અંદરબહારથી મેલ વોશ કરવાની અંગત જગ્યા. તેના આટલા બધા પર્યાયવાચી શબ્દો કેમ પડ્યા તે ચર્ચાનો વિષય છે. જ્યાં પથારી પાથરીને કદી રેસ્ટ કરાતો નથી છતાં ‘રેસ્ટરૂમ’ કહેવાય છે. તળપદી ભાષામાં શહેરમાં કે ગામડામાં સાર્વજનિક સ્થાનમાં હલકા થવાની સંસ્થા નિર્મિત જગ્યાને મુતરડી કહેવાય છે. જ્યારે પાકા ટોઇલેટ બાથરૂમ નહોતા આવ્યા તે પહેલાં દરેક ઘરમાં એક 10 ફૂટનો ઊંડો ખાડો કરીને ખાળકૂવો બનાવાતો અને તેની ઉપર એક નાનું ઓરડી જેવું સ્ટ્રક્ટર જે કાયમ મકાનથી દૂર બેકયાર્ડના ખૂણામાં હતું.

. બોલિવુડ સ્ટાઈલમાં જેના ઉપર પાંગરતી એક પ્રેમકથા ચિત્રિત થઇ ‘સ્વચ્છ ભારત’નું પ્રતીક એ ટોઇલેટ છે. જ્યાં સવારની બોવેલ ટ્રેન લેટ થાય તો આખો દિવસ બગડે તે લેટ્રીન કહેવાય છે. જ્યાં દરેક સવારમાં ચપટી વગાડતા પેટ સાફ જરૂર થઈ જાય તે જાજરૂ કહેવાય છે. સંડે જ નહિ પણ એવરી ડે સવારમાં જ સ્મુધ મળત્યાગ થાય તેવી આસ જગાવે તે સંડાસ કહેવાય છે. જ્યાં બે પોર્સેલીનના જમીનસ્થ પાય કે પગલા ઉપર તમારા જીવંત બે પગલા ‘હાઈ ફાઈ’ કરીને બેસીને પેટ હલકું કરે તે પાયખાનું કહેવાય છે. હાઈ વેની સાઈડમાં ગાડી પાર્ક કરીને વૃક્ષને કરાવાતું સ્નાન કે ઓપન ટુ એર કરાતા પ્રાકૃતિક સ્વયં-ભૂદાનનો સામ્યવાદ એ વંઠેલી સિવિક સેન્સ છે.

આ બધા શાબ્દિક પર્યાય હોવા છતાં મેજોરીટી લોકો ‘વોશરૂમ’ શબ્દ વાપરે છે. તેમાં આજકાલ ગેસ્ટ માટે ‘પાવડર વોશરૂમ’ પ્રચલિત છે. આ શબ્દ જો કે એક સદી પહેલાં 1920માં પહેલી વાર વપરાયો. તે જમાનામાં સ્ત્રીઓને કુદરતી હાજતો માટે લેટ્રીન કે બાથરૂમ જેવા શબ્દો બોલવામાં સુરૂચિનો ભંગ લાગતો. તેઓ ‘પાવડર રૂમ’ જવું છે તેમ કહેતા. અત્યારે તો મોટાભાગની લેડીઝ ત્યાં જઈને ફેસ વોશ કરીને તેમની લિપસ્ટિક ટચ અપ અને ફેસ પાવડર બ્રશ અપ કરીને સાચા અર્થમાં પાવડર રૂમ બનાવે છે.

આમ તો દરેક મકાનમાં એક ડ્રોઈંગ રૂમ વીથ એટેચ્ડ ‘સાર્વજનિક વોશરૂમ’ હોય છે જે મહેમાનો વાપરી શકે છે. પર્સનલ બેડરૂમો વીથ એટેચ્ડમાં ‘સાવ નજીક વોશરૂમ’ હોય છે જે તનમનથી એકબીજાની સાવ નજીક એવા તે ઘરના યંગ કે વૃદ્ધ કપલ્સ માટે હોય છે. આમ તો દરેક બાથરૂમ માણસના ઉત્સર્ગતંત્રનું કબ્રસ્તાન છે જ્યાં રોજ સવારે મળ-મૂત્રને પાણીમાં ફ્લશ કરીને દફનાવાય છે. જેને ‘કિયે કરાયે પર પાની ફેરના’ કહેવતનું પર્યાય ગણાય છે. દરેક બાથરૂમને દીવાલો ભલે ચાર અને ઉપર છત અને નીચે ફ્લોર હશે પણ તેના અનિવાર્ય અંગો પાંચ હોય છે એટલે કે તમારા શરીરને અંદર બહારથી સાફ કરવા પાંચ સગવડો હોય છે.

પહેલી સગવડ એ સવારે ઊઠીને દાંત સાફ કરીને મોં ધોવાની તથા પુરુષોમાં શેવિંગ કરવા એક વોશબેઝીન હોય છે. તેની એક અનિવાર્ય એક્સેસરી તરીકે ઉપર સાદો કે LED મિરર હોય બીજી સગવડ છે. આ મિરર ફેસ ટુ ફેસ તમને મેકઅપ વગરના ‘તમને’ બતાવે છે. પુરુષ હોય તો તેના મોંના હાવભાવ આડાઅવળા કરીને વિખરાયેલા કે વિસરાતા વાળનો જથ્થો કાંસકાથી ઓળે છે. જો સ્ત્રી હશે તો મોંના ખીલ, ગળાની કરચલીઓ, માથામાં વધતાં સફેદ વાળ અને આંખની નીચે ઓછા થતા કાળા ડાઘ જુએ છે. એક નાનો નિસાસો નાખીને તેમના કપાળે ચોંટેલા ‘સૌભાગ્ય’ને સામે મિરરના જમણા ખૂણે ચોંટાડે છે. ત્રીજી સગવડ એ જમીનથી જોડાયેલું દેશી કે રાજાપાઠની બેઠક જેવું વિલાયતી કોમોડ છે.

કુદરતી હાજતોના ભાગ રૂપે આખી રાતનું ભરાયેલું બ્લેડર અને ચોવીસ કલાકે ભરાતું બોવેલ. આ કોમોડમાં જેટ અને વોટર સ્પાઉટની મદદથી ફ્લશ થવા વિસર્જિત થાય છે. ભારતમાં આમપ્રજાના બાથરૂમમાં કોમોડની સાથે ટીસ્યુ રોલ હોતું નથી. માત્ર રીચ ખાસ પ્રજાના બાથરૂમોમાં કે થ્રી – ટુ ફાઈવસ્ટાર હોટેલોના બાથરૂમોમાં આ લક્ઝરી હોય છે. યુરોપ અમેરિકામાં આનાથી ઊલટું છે. ત્યાં જેટની પ્રથા નથી. ત્યાં ટીસ્યુના રોલ્સ જ વપરાય છે. ચોથી સગવડ એ નહાવા માટેના પાણીની વ્યવસ્થા છે. નહાવા માટેનું જરૂરી પાણી સાદા નળ વડે ડોલમાં ભરવામાં આવે છે અને ટમ્બલરથી ભોંય બેસીને નાહી નખાય છે. આ સગવડ હવે એક્ષટીંક થતી જાય છે. હવે ઘેર ઘેર હેડ ઓન ફુવારા હોય છે. તેમાં ઊભા ઊભા કે ટેબલ ઉપર બેસીને ‘ભીના’ થવાય છે.

જો પાર્ટી રીચીરીચ હોય તો સાઈડ ઓન ફિક્સડ શાવર પેનલ નંખાવે છે. જેમાં જુદી સ્પીડના અને હેડ ટુ ટો એકસાથે વરસાદમાં નહાતા હોય તેવી અનુભૂતિ થાય છે. યંગસ્ટર્સમાં આજકાલ સિંગલ કે ટ્વીન બાથટબની ફેશન પોપ્યુલર છે. તેમાં રેગ્યુલર શાવરના બચ્ચાં જેવો એક હેન્ડ ઓન ટેલિફોન શાવર પણ રખાય છે. પાંચમી સગવડ એ વોર્મ વોટર માટે ગીઝર છે જે મિક્સચર નળમાં કે શાવરમાં કે બાથટબના વોટર સપ્લાયમાં જોડવામાં આવે છે. જેથી શિયાળામાં ઉનાળો ફીલ થાય છે. ઉનાળામાં તો સંજીવ કુમારને યાદ કરીને ‘’ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીએ.’’ આવા ગીઝર ગેસ, સોલર કે ઇલેક્ટ્રિક ઉપર ચાલે છે અને તેમાં ઈન્સ્ટન્ટ કે સ્ટોરેજ પ્રકારના મોડલ ઉપલબ્ધ છે. દરેક ઘરમાં બાથરૂમ કેટલા હોવા જોઈએ? તે મકાનમાં કઈ દિશામાં હોવું જોઈએ? ટાઈલ્સ કેવી હોવી જોઈએ? કઈ દિશામાં ઊભા રહીને નહાવું જોઈએ એ વાસ્તુશાસ્ત્રી જણાવી શકે પણ જે રૂમ ભલે આખા દિવસમાં 20-30 મિનિટ માટે વાપરવાનો હોય તે એકદમ ચોખ્ખો તો જોઈએ જ.

Most Popular

To Top