Kids

લોખંડી પુરુષ ‘સરદાર વલ્લભભાઇ પટેલ’

બાળમિત્રો, સરદાર વલ્લભભાઇ પટેલના નામથી કોઇ અજાણ નથી. તેમને લોખંડી પુરુષનું બિરૂદ મળ્યું હતું કારણ કે ભારતની એકતા અને અખંડિતતાનું ભગીરથ કામ તેમણે કર્યું હતું. 1947માં દેશ સ્વતંત્ર થયો. 600થી વધુ નાની – મોટી રિયાસતો હતી એટલે કે નાના – મોટા રાજયોની આટલી સંખ્યા હતી, જેને એક – એકને મળી અખંડ ભારતની રચના કરવામાં આ રજવાડાઓના વિલીનીકરણનું કામ તેમણે કર્યું હતું. કેટલાંક રાજયો તો સમજૂતી અને કરાર મુજબ પાકિસ્તાનમાં ભળી ગયા હતા. બાકીના 565 જેટલાં દેશી રાજયોને ભારત સાથે જોડવાનું લોખંડી કામ સરદાર પટેલે કર્યું હતું. આ 565માં 366 દેશી રાજય તો માત્ર ગુજરાતના જ હતા. દેશી રાજયોનું વિલીનીકરણ અભિયાનમાં ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીએ પહેલ કરી હતી. જો કે હૈદરાબાદ, જુનાગઢ અને ભોપાલ જેવા રાજયોના મુસ્લિમ રાજાઓ અને કાશ્મીર તથા જોધપુરના રાજપૂત રાજાઓએ શરૂઆતમાં સહકાર નહોતો આપ્યો અને સ્વતંત્ર રહેવા અથવા તો પાકિસ્તાન સાથે જોડાવાની ઇચ્છા વ્યકત કરી હતી. અંતે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અજમાવી દેશમાં જોડાવા મજબૂર કરવામાં આવ્યા હતા. સરદાર પટેલની દૃઢતા, નેતૃત્વ ક્ષમતા, વાકપટુતા, બુધ્ધિચાતુર્ય, પ્રબળ ઇચ્છાશકિત, કુશળ વ્યવસ્થાપન, વિનમ્રતા, વ્યવહારિકતા અને જરૂર પડે લોખંડી બળ પ્રદર્શિત કરવાના અદ્‌ભુત ગુણોને કારણે ભારતની એકતા મજબૂત બની હતી. સ્વતંત્રતાના 70 વર્ષ પછી સરદાર પટેલનું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નામે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં સ્થાપિત થઇ છે, જે ખરા અર્થમાં તેમનું સમ્માન છે. અમદાવાદ ખાતેનું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ પણ ‘સરદાર પટેલ સ્ટેડિયમ’ના નામથી વિખ્યાત છે, જે માત્ર ગુજરાતનું જ નહિ આખા દેશનું ગૌરવ છે. 31 ઓકટોબર, 1875માં જન્મેલા સરદાર પટેલે આઝાદી પછી માત્ર ત્રણેક વર્ષના ગાળામાં જ 15 ડિસેમ્બર 1950માં આ જગતમાંથી વિદાય લીધી હતી.

Most Popular

To Top