Entertainment

જાણો ‘બિગ બોસ’નો અવાજ વિજય વિક્રમ સિંહને.. 8 વખત આર્મીમાંથી રિજેક્ટ કરવામાં આવ્યા હતા

મુંબઈ: (Mumbai) અવાજ (Voice) ફક્ત અભિવ્યક્તિના (Expression) આદાન પ્રદાનનું સાધન નથી પણ વ્યક્તિ તેને આવકનું સાધન પણ બનાવી શકે છે. કેટલાકને તે સારો લાગે છે તો કેટલાકને નાપસંદ પણ હોઈ શકે છે. અને નાપસંદ અવાજ પણ કોઈના દિલમાં ઘર કરી શકે છે. આજે અમે તમને એવા જ એક અવાજની કહાણી જણાવવા જઈ રહ્યા છીએ જેની સફર ક્યાંક બીજેથી શરૂ થઈને આજે એક અલગ જ ઉંચાઈ પર પહોંચી છે. ફક્ત પોતાના અવાજના બળ પર. અમે વાત કરી રહ્યા છીએ વિજય વિક્રમ સિંહની (Vijay Vikram Singh) . બિગ બોસ (Big Boss) ચાહતે હૈ… આ સૂર અને સ્વર તો તમે સાંભળ્યા જ હશે. પણ આ સૂર સુધી પહોંચવામાં વિજય વિક્રમ સિંહની જે સફર રહી છે તે જાણી તમારા આંખમાં પણ પાણી આવી જશે.

વિજય વિક્રમ સિંહ ‘બિગ બોસ ચાહતે હૈ…’ થી ફેમસ થયા હતા. તે વ્યવસાયે વોઇસ ઓવર આર્ટિસ્ટ છે. બિસ બોસ સિવાય, તે અન્ય રિયાલિટી શોમાં પણ કામ કરે છે. આજે અમે તમને તેમના વિશે એટલા માટે જણાવી રહ્યા કારણ કે તેઓની સફળતા પાછળ સંઘર્ષની ગાથા છુપાયેલી છે. કેવી રીતે તેઓ પડ્યા અને પડીને ઉભા થયા અને આ ઉંચાઈ પર પહોંચ્યા..

વિજય વિક્રમની આર્થિક સ્થિતિ સારી ન હતી
વિક્રમનો જન્મ કાનપુરના એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. અહીંથી તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. જો કે જ્યારે તે દુનિયામાં આવ્યા ત્યારે પરિવાર સમૃદ્ધ હતો પરંતુ પિતાના ધંધામાં કેટલાક એવા સંજોગો આવ્યા કે પૈસા જતા રહ્યા. જો કે પરિવારે અભ્યાસમાં કચાશ રાખી ન હતી. તેમણે વિક્રમને સારી સ્કૂલમાં ભણાવ્યા.

વિજય વિક્રમ આર્મીમાં જોડાવા માંગતા હતા
શરૂઆતથી જ વિક્રમ આર્મીમાં જોડાવા માંગતા હતા અને આર્મી ઓફિસર બનવા માંગતા હતા. તેમના દાદાએ પણ તેમને આ માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. નામની આગળ તેમણે બ્રિગેડિયર પણ ઉમેર્યું હતું. આવી સ્થિતિમાં તેમના મનમાં વિચાર આવ્યો કે તેમને હવે તો આર્મીમાં જવું જ પડશે. તેમણે એ દિશામાં પ્રયાસો પણ કર્યા. ગ્રેજ્યુએશનની સાથે તેણે કમ્બાઈન્ડ ડિફેન્સની પરીક્ષા પણ આપી હતી. લેખિત પરીક્ષા પાસ કરી અને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા. પાંચ દિવસીય SSB ઇન્ટરવ્યુમાં વિક્રમને પહેલા જ દિવસે રિજેક્ટ કરવામાં આવ્યા. મતલબ કે 17-18 વર્ષથી જે સપનાઓ જોયા હતા તે એક મિનિટમાં ચકનાચૂર થઈ ગયા.

વિજય વિક્રમને ચાર વર્ષમાં આઠ વખત રિજેક્ટ કરવામાં આવ્યા
સેનામાં પસંદગીના અભાવે વિક્રમ સાવ વિખેરાઈ ગયા. પરિણામે તેમણે 18 વર્ષની ઉંમરે પ્રથમ વખત દારૂ પીધો. ગમની આડમાં કરેલી ભૂલ અહીંથી તેમનું વ્યસન બની ગઈ હતી. જોકે તેઓએ હાર ન માની. તેમણે આગામી 4 વર્ષમાં વધુ 7 વાર સેનામાંથી અસ્વીકારનો સામનો કરવો પડ્યો. તેઓ SSBને ક્લિયર કરી શક્યા ન હતા. કુલ 8 વખત તેમને રિજેક્ટ કરવામાં આવ્યા. અને દરેક વખતે તેઓ અંદરથી ધીમે ધીમે તૂટવા લાગ્યા.

વિજય વિક્રમને ગંભીર બીમારી હતી
આ અસ્વીકારથી વિક્રમ દારૂ તરફ ધકેલાઈ ગયા હતા. 24 વર્ષની ઉંમર સુધીમાં તો એવી હાલત થઈ ગઈ હતી કે તે પોતાના દિવસની શરૂઆત દારૂથી કરતા હતા. જોકે તે ઘરે બેઠા નહોતા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી MBA નો અભ્યાસ કર્યો. સરસ પસંદગી થઈ. નોકરી પણ મળી ગઈ. પણ દારૂની લત છૂટી ન હતી. એ વ્યસન વધતું જ રહ્યું. પરિણામે 2005 માં તેમની તબિયત બગડી. અચાનક તેમના પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો. જ્યારે તેમને મધ્યપ્રદેશના સતનાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેમને રેનલ ફેલ્યોર સાથે ગંભીર પેનક્રિયાટિસ છે.

વિજયના બચવાની માત્ર 15% તક હતી.
તેમને સતનાથી લખનૌ પીજીઆઈમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યાં તેને તપાસતા ડોક્ટરે તેમની માતાને કહ્યું કે તેમના કેટલાક મુખ્ય અંગો કામ કરી રહ્યા નથી. ફેફસાં 70 ટકા પાણીથી ભરેલા છે. કિડની કામ કરતી નથી અને લીવર પણ કામ કરતું નથી. બચવાની તક 15% છે. જો તમે કહો છો કે આપણે તેમની સારવાર કરવી જોઈએ તો તે પૈસાનો બગાડ છે. પરંતુ તેમની માતાએ ડોક્ટરને કહ્યું – તમે તમારું કામ કરો અને અમે અમારું કરીશું. જો કે તે દરમિયાન આર્થિક સ્થિતિ સારી ન હતી.

વિજય વિક્રમ મોતના મુખમાંથી બચી ગયા
વિક્રમ સિંહે હોસ્પિટલમાં 30-35 દિવસ પસાર કર્યા અને અહીંથી તેમનું જીવન બદલાઈ ગયું. કારણ કે તેમના બચવાના ચાન્સ ઘણા ઓછા હતા. આ દરમિયાન તેમને ન્યુમોનિયા પણ થયો હતો. તે મોતના મુખમાંથી બહાર આવ્યા. તેમણે આત્મનિરીક્ષણ કર્યું કે તે શું કરી રહ્યા છે. પરિવારને તકલીફમાં સંઘર્ષ કરતા જોયો. તે 35 દિવસમાં તેમનું દુઃખ જોયું. ત્યારે ડોક્ટરે કહ્યું કે તેમની કિડની કામ કરી રહી છે. પછી લીવર પણ કામ કરવા લાગ્યું. અઢી મહિના પછી રજા આપવામાં આવી હતી.

આ રીતે વિજય વોઈસ ઓવર આર્ટિસ્ટ બની ગયા
વિક્રમ જ્યારે તેમની સરકારી નોકરી માટે મુંબઈ આવ્યા ત્યારે કોઈએ તેમને કહ્યું કે તેમનો અવાજ સારો છે તેના પર કામ કરો. પરંતુ તેમણે કહ્યું કે તે ગાઈ શકતા નથી. જોકે તેમને આ સમય સુધી ખબર નહોતી કે અવાજ સાથે શું કરી શકાય. ત્યારે વ્યક્તિએ કહ્યું કે વોઈસ ઓવર નામનું એક કરિયર છે જેમાં તે જઈ શકે છે. કારણ કે તેમનો અવાજ ખૂબ જ સારો છે. આ પછી વિક્રમે પોતાના અવાજ પર કામ કર્યું. ત્યારબાદ 2009માં પોતાની સેટ કરિયર છોડીને તે આ લાઈનમાં આવી ગયા. તેમની પત્નીએ આમાં ઘણી મદદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

વિજય વિક્રમે આ ફિલ્મો-સિરીઝમાં કામ કર્યું છે
તે વોઈસ ઓવર આર્ટિસ્ટની સાથે એક્ટર પણ બની ગયા. તેમણે 2018 થી અભિનય શરૂ કર્યો. તે મનોજ બાજપેયીની બંને ‘ફેમિલી મેન’માં જોવા મળ્યા હતા. તે ‘મિર્ઝાપુર 2’, ‘સ્પેશિયલ ઑપ્સ’ જેવી લોકપ્રિય શ્રેણીમાં પણ જોવા મળ્યા હતા. અને હવે વર્ષમાં દોઢ મહિના સુધી તેઓ બિગ બોસનો અવાજ રહે છે.

Most Popular

To Top