Dakshin Gujarat

બારડોલીના મહુવેજ નજીક ઉન ભરેલી ટ્રકમાંથી 27.52 લાખનો દારૂ મળી આવ્યો

બારડોલી: (Bardoli) ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ દારૂની (Alcohol) ગેરકાયદે હેરાફેરી પર પોલીસની (Police) તવાઈ જોવા મળી રહી છે. રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી પકડવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લા LCBની (District LCB) ટીમે ઉનાના જથ્થાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રકમાંથી 27.52 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ સહિત કુલ 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ દારૂ કર્ણાટકના હુબલીથી ભરાવવામાં આવ્યો હતો.

સુરત જિલ્લા LCBની ટીમે ટ્રકચાલક ક્લીનરની અટક કરી હતી
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નં.48 પર મહુવેજ ગામની સીમમાં આવેલી આશીર્વાદ હોટેલના પાર્કિંગમાં દારૂ ભરેલી એક ટ્રક ઊભેલી છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારતાં ટ્રકચાલક તુલસીલાલ માંગીલાલ કલવાર અને ક્લીનર કાલૂસિંગ ગુલાબસિંગ રાવતની અટક કરી હતી અને ટ્રકમાં તલાશી લેતાં અંદર ઊનની બોરીઓ ભરેલી હતી.

કુલ 41,04,985 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો
તેની નીચે તપાસ કરતાં અંદર મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ કિંમત રૂ.27,52,800 શોધી કાઢ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ આ દારૂ કર્ણાટકના હુબલીથી જયેશ પટેલ નામના ઇસમે ભરાવી સુરત શહેરમાં પહોંચાડવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે 27,52,800ની કિંમતનો વિદેશી દારૂ, 10 લાખની કિંમતની ટ્રક, બે મોબાઇલ કિંમત રૂ.10 હજાર, રોકડા રૂ.3820, ઉનનો જથ્થો કિંમત રૂ.3,37,365, તાડપત્રી કિંમત રૂ.1 હજાર મળી કુલ 41,04,985 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં જયેશ પટેલ સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે કારમાંથી દારૂ સાથે બુટલેગરની અટકાયત
અંકલેશ્વર: ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલી બાતમીના આધારે સુરતથી ભરૂચ તરફ કાર નં.(GJ,15,CG 1058)માં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો લઈ આવતા બુટલેગરને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે રોકી તલાશી લેતાં કારમાંથી ભારતીય બનાવટના શરાબની નાની-મોટી કુલ ૧૧૬૯ બોટલ મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે આ મામલે નરેન્દ્ર ચૈતરામ ગુપ્તા નામના બુટલેગરની ધરપકડ કરી અન્ય બે બુટલેગર પંકજ (રહે.,મહારાષ્ટ્ર) અને સહદેવ ઉર્ફે કરણ જેસિંગ વસાવા (રહે., જૂના કાંસિયા, અંકલેશ્વર)ને વોન્ટેડ જાહેર કરી કુલ ૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top