National

યુપી-બિહારમાં હીટ વેવ બની ડેથવેવ, ચાર દિવસમાં હીટ સ્ટ્રોકથી 100 થી વધુ લોકોનાં મોત

નવી દિલ્હી: જ્યાં એક તરફ દિલ્હી-NCRમાં (Delhi NCR) વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ યુપી (UP) અને બિહાર (Bihar) સહિત ઘણા રાજ્યોમાં ગરમીના કારણે (Heat wave) લોકોના મોત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમીના કારણે મોતનો (Death) આંકડો 100 થી 117ને વટાવી ગયો છે, જેથી લોકોમાં હોબાળો મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીને કારણે લોકો મોટી સંખ્યામાં બીમાર પડી રહ્યા છે અને હોસ્પિટલોમાં (Hospital) અલગ હીટસ્ટ્રોક (Heatstroke) વોર્ડ બનાવવામાં આવ્યા છે.

યુપી અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું એલર્ટ
યુપી-બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ગરમીની ઝપેટમાં છે. હવામાન વિભાગ (IMD) એ યુપી અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે બિહારના બાંકા, જમુઈ, જહાનાબાદ, ખાગરિયા, લખીસરાય, નાલંદા, નવાદા, પટના, સમસ્તીપુર, શેખપુરામાં આગામી 24 કલાકમાં તીવ્ર ગરમીની ચેતવણી આપી છે. અરાહમાં હીટસ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં 10 થી 12 લોકોના મોત થયા છે. ઉનાળાની વચ્ચે વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલોમાં ઉલ્ટી, ઝાડા, બેભાન અને શ્વાસ લેવામાં તકલીફ તેમજ બ્લડપ્રેશર જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

પટનામાં હીટ સ્ટ્રોકના કારણે 35 લોકોના મોત થયા
પટનામાં છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 35 લોકોના મોત થયા છે. બિહારના અન્ય જિલ્લાઓમાં હીટ સ્ટ્રોકના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. બેગુસરાઈ, સાસારામ અને નવાદામાં બે-બે લોકોના મોત થયા છે. આ સિવાય ભોજપુર અને ઔરંગાબાદમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. હવામાન વિભાગ (IMD) એ તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. કાળઝાળ ગરમીના કારણે શાળાઓની રજાઓ પણ લંબાવવામાં આવી છે. પટનામાં 24 જૂન સુધી તમામ શાળાઓ બંધ રહેશે. જો કે અગાઉ શાળાઓ 19મી જૂને ખુલવાની હતી.

બલિયામાં કાળઝાળ ગરમીથી થયા લોકોના મૃત્યુ
યુપીના બલિયામાં ગરમીનો કહેર ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લા હોસ્પિટલમાં 14 વધુ દર્દીઓ ગરમીથી સંબંધિત બિમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે, 15 જૂનથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 68 થઈ ગયો છે. સરકાર દ્વારા નિયુક્ત કમિટીએ બાંસડીહ અને ગરવાર બ્લોકના ગામોની મુલાકાત લીધી હતી, જ્યાંથી સૌથી વધુ જાનહાનિ નોંધાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને બીમાર પડેલા લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અને પીવાના પાણી અને વીજળીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

Most Popular

To Top