Business

ઉપરવાસમાં વરસાદના વિરામ બાદ ઉકાઈ ડેમના તમામ ગેટ બંધ: સપાટી 342.57 ફૂટ

સુરત: ચોમાસુ (Monsoon) અંતિમ તબક્કે આવતા વરસાદે (Rain) હવે સર્વત્ર વિરામ નોંધાવ્યો છે. ત્યારે આજે ઉકાઈ ડેમમના (Ukai Dam) તમામ ગેટ બંધ કરી હાઈડ્રો ચાલુ રાખવા માટે માત્ર 22 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું.

ચાલુ વર્ષે ઉકાઈ ડેમ કેચમેન્ટના વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સારો વરસાદ નોંધાયો હતો. હવે ચોમાસુ વિદાય તરફ છે અને બાકી હતું તે ડેમ પણ છલોછલ ભરાયો છે. બે દિવસથી શહેર અને જિલ્લામાં તથા ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લીધો છે. આજે હથનુર ડેમમાંથી 22 હજાર ક્યુસેક અને પ્રકાશામાંથી 31 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમમાં સવારે 81 હજાર ક્યુસેક પાણીની આવક અને 46 હજાર ક્યુસેક જાવક હતી. જે સાંજે ઘટાડી દેવાઈ હતી. સાંજે ડેમમાં 39 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે ડેમના તમામ ગેટ બંધ કરી માત્ર હાઈડ્રો ચાલુ રાખવા માટે 22 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમની સપાટી સાંજે 342.57 ફૂટ નોંધાઈ હતી. ડેમ સિઝનના અંતે ભયજનક સપાટીથી માત્ર અઢી ફૂટ નીચે છે. હવે ઉપરવાસમાં પણ વરસાદની નહીંવત સંભાવના વ્યકત કરાઈ છે.

નવસારી જિલ્લામાં વરસાદનો વિરામ: મહત્તમ-લઘુત્તમ તાપમાનમાં નહિવત ઘટાડો
નવસારી : નવસારી જિલ્લામાં ગત સોમવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે વરસાદે ત્રણ દિવસથી વિરામ લીધો છે. આજે મહત્તમ તાપમાન નહિવત ડિગ્રી ગગડ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડ્યું હતું. ગુરૂવારે નવસારીમાં મહત્તમ તાપમાન 0.2 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી ગગડતા 22.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 78 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જયારે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 9.5 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top