SURAT

સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડનું ભૂત ફરી બેઠું થયું: ઝાંપાબજારમાં બોગસ કંપની ઊભી કરી..

સુરત : સુરતમાં (Surat) બોગસ બિલિંગ કૌભાંડનું (Bogus billing scandal) ભૂત ફરી બેઠું થયું છે. સુરત ઝોનલના ડિરેકટોરેટ જનરલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઇન્ટેલિજન્સ દ્વારા શહેરનાં ઝાંપાબજાર હજુરી ચેમ્બરમાં શ્રી શ્યામ ફાઇન ફેબ પ્રા.લિ.ના નામથી કંપની ચલાવતા 3 આરોપીઓની ધરપકડ કરી જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. બોગસ કંપનીઓ થકી 100 કરોડનું ટ્રાન્ઝેકશન કરી 8.65 કરોડની જીએસટી ઉસેટી લેનાર મુખ્ય સૂત્રધાર નૈમેશ જરીવાલા અને તેના બે પંટર એવા કંપનીના ડાયરેક્ટર ઉંમર બરફવાલા અને નોમાન લાઇટવાલાની જીએસટી વિભાગે ધરપકડ કરી હતી.

નૈમેષ જરીવાલાએ બંને કહેવાતા ડિરેક્ટરો સાથે ભેગા મળીને બોગસ બિલિંગ થકી 100 કરોડથી વધુના ટ્રાન્ઝેકશન દર્શાવ્યા હતાં અને આ ટ્રાન્જેક્શનના આધારે સરકારની પાસેથી 8.65 કરોડની જીએસટી ઉસેટી લઈ સરકારની તિજોરીને મોટુ નુકસાન કર્યુ હતું. જીએસટી વિભાગે સર્ચ કાર્યવાહી દરમિયાન ડોક્યુમેન્ટ જપ્ત કરી બંને સામે ગુનો દાખલ કરી જીએસટી કોર્ટમાં રજૂ કરતાં ત્રણે આરોપીઓને સુરતની ચીફ કોર્ટે 14 દિવસ માટે જયુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી દેવામાં આવ્યાં હતાં.

આ કેસમાં સરકાર તરફે એપીપી ઇમરાન મલિક હાજર રહ્યા હતાં. આરોપીઓએ ફર્મ ઊભી કરવા માટે ડુપ્લિકેટ રેન્ટ એગ્રિમેન્ટ પણ બનાવ્યું હતું. જેમાં મહિલાના આધારકાર્ડ સાથે છેડછાડ પણ કરવામાં આવી હતી. ત્રણે આરોપીઓએ શ્રીશ્યામ ફાઇન ફેબ નામની ફર્મ બનાવીને બીજી આઠથી વધુ બોગસ ફર્મને માલ સપ્લાય કર્યો હોવાનું કાગળ પર દેખાડ્યું હતું અને એજન્ટ મારફત માલ લેવામાં આવતો હોવાનું પણ સ્ટેટમેન્ટમાં દર્શાવાયું હતુ. જો કે, વાસ્તવમાં કોઈ માલનો સોદો કે હેરફેર ફિઝિકલ થતી ન હતી.

આંજણામાં સર્ચ કરવા ગયેલી DGGI ને ડોલ્ફીન એન્ટરપ્રાઈઝને બદલે ભળતી જ કંપની મળી
બોગસ કંપનીઓ ઊભી કરી કરોડોનું ટ્રાન્જેક્શન દર્શાવી એને આધારે 8.65 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લેવા માટે કૌભાંડી નૈમેશ જરીવાલા અને તેના બે પંટર એવા કંપનીના ડાયરેક્ટર ઉંમર બરફવાલા અને નોમાન લાઇટવાલાએ આંજણાના વિવિંગ ઝોનમાં ડોલ્ફીન એન્ટરપ્રાઈઝ નામની કંપનીના સરનામે પહોંચ્યા તો ત્યાં કોઈ બીજી જ કંપની ચાલતી હતી. આ કંપનીનો સંચાલક ફેબ્રિક્સ કે યાર્ન મોકલ્યા વિના જ બિલનું વેચાણ કરતો હતો. અને એને આધારે એક કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી હતી. આ કંપનીના નામે 33 કરોડના બોગસ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતાં. આંજણાના જે સરનામે જીએસટી રજિસ્ટ્રેશન માટે ઇન્ડસ્ટ્રિયલ પ્લોટના ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા તે જગ્યા એક મહિલના નામે હતી. આ મહિલાના પાનકાર્ડનો નંબર અને ફોટો બદલીને રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરી રજિસ્ટ્રેશન મેળવી લેવામાં આવ્યું હતું.

ડીજીજીઆઇના ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રવમ રામને મળેલી માહિતીના આધારે આંજણામાં ડોલ્ફીન એન્ટરપ્રાઇઝના સ્થળે તપાસ કરવામાં આવી હતી. ઉમર બરફવાલા અને નોમાન લાઇટવાલાને નૈમેષ જરીવાલાએ પંટર તરીકે ઉપયોગ કરી કાગળ પર ડિરેક્ટર બનાવી નાણાંના ટ્રાન્જેક્શનના માટે બંનેના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ડિજીજીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું.

Most Popular

To Top