Dakshin Gujarat

લંડનના લેસ્ટરમાં ભારતીયો પરના હુમલાના વિરોધમાં દમણમાં મૌન રેલી

દમણ: છેલ્લા ઘણા સમયથી લંડનના (UK) લેસ્ટરમાં અમુક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓના મંદિરો (Temple) તોડવાની, ભગવાનની મૂર્તિઓ ખંડિત કરવાની તથા હિન્દુ તહેવારો ઉજવવામાં ખલેલ પહોંચાડવાનું કાર્ય કરી હિન્દુ સંસ્કૃતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પણ લંડનમાં વસતા હિન્દુ સમુદાયના લોકોને પણ ધાક ધમકીઓ આપી તેમને ડરાવવાનો અને બાનમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે દેશના અન્ય રાજ્યોની સાથે દમણના પણ મોટેભાગના હિન્દુ પરિવારો લંડનના લેસ્ટરમાં રહેતા હોય ત્યારે તેઓની સલામતી અને આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વિધર્મીઓ પર યુ.કે. સરકાર શખ્ત પગલાં ભરે એવી માંગ સાથે ગુરૂવારનાં રોજ દમણમાં વસતા હિન્દુ સમુદાયના લોકોએ મૌન રેલી આયોજિત કરી પ્રદેશના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડથી ઢોલર સ્થિત આવેલ કલેક્ટર કચેરી સુધી વિવિધ હિન્દુ સંગઠનના લોકો બેનર સાથે ચાલતા જઈને દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિદેશમંત્રીની સાથે પ્રદેશના પ્રશાસક અને કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર સુપરત કર્યું હતું અને યોગ્ય કાર્યવાહી કરવાની સાથે લંડનમાં વસતા દમણના અને અન્ય હિન્દુ નાગરિકોને ત્યાંની સરકાર સુરક્ષા પ્રદાન કરે એવી માંગ કરી હતી. આયોજીત મૌન રૈલીમાં દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ, જિ. પ. પ્રમુખ નવીન પટેલ, નગરપાલિકા પ્રમુખ સોનલબેન પટેલ, દાનહ-દમણ-દીવ ભાજપા સચિવ જીગ્નેશ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ અસ્પી દમણીયા, વિશાલ ટંડેલ, ગોપાલ ટંડેલ (દાદા), ભરત પટેલ (દૂનેઠા) તથા અન્ય હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનો આ મૌન રેલીમાં જોડાયા હતા.

Most Popular

To Top