Dakshin Gujarat

કાર ઓવરટેક કરવા મુદ્દે મોરથાણામાં મારામારી, વચ્ચે પડેલા યુવાન પર ચપ્પુથી હુમલો

કામરેજ: (Kamraj) પરબ ગામની (Parab Villege) બે મહિલા મિત્ર સાથે સેવણી (Sevni) ખાતે કારમાં ઢોસા ખાવા જતાં મોરથાણા(Morthan) પાસે આર્મીની નેઈમ પ્લેટ લખેલી આઈ-20 કારમાં (Car) સવાર ચાર ઈસમે કારની સાઈડ મારી કારમાં સવાર મહિલાની છેડતી કરી પતિને માર મારતાં ગામના લોકો બચાવવા આવેલા લોકોમાંથી એક યુવાનને કારમાં સવાર ચાર ઈસમો પૈકી એક ઈસમે ચપ્પુ ચાર ઘા મારીને ભાગવા જતાં એક ઈસમ પકડાઈ ગયો હતો. જ્યારે ત્રણ ઈસમ નાસી છૂટ્યા હતા.કામરેજના પરબ ગામે હેમાંગી નયન પટેલ પરિવાર સાથે રહે છે.

બૂમાબૂમ કરતાં મોરથાણા ગામના લોકો મદદે દોડી આવ્યા
બે દિવસ અગાઉ સુરત ખાતે રહેતી બહેનપણી ઉષ્મા પરબ ખાતે રહેવા માટે આવી હતી. બુધવારે હેમાંગીના પતિ તેમજ ઉષ્મા તથા ગામના એક યુવાન સાથે પોતાની સ્કોડા કારમાં ચાર બે મહિલા મિત્ર સહિત ચાર લોકો સેવણી ખાતે ઢોસા ખાવા માટે રાત્રિના 7 કલાકે જઈ રહ્યા હતા. ત્યારે કોસમાડી પાટિયાથી વિહાણ જતા રોડ પર મોરથાણા ગામની હદમાં સ્કોડા કારની આગળ હુન્ડાઈ આઈ 20 કાર ચાલક કાર ધીરે ધીરે ચલાવતા હોવાથી હેમાંગીના પતિએ આઈ 20 કારની સાઈડ મારીને આગળ જતા રહ્યા હતા. પરંતુ મોરથાણા ગામના બસ સ્ટેન્ડ પાસે આઈ 20 કારના ચાલકે સ્કોડા કારની ઓવરટેક કરીને પોતાની કાર આગળ ઊભી કરી દીધી હતી. કારમાંથી ચાર ઈસમો ઊતરીને હેમાંગીના પતિ તેમજ આગળ બેસેલા ગામના યુવાનને કારમાંથી બહાર કાઢી માર મારવા લાગતાં કારમાં બેસેલી બંને મહિલા ઊતરીને છોડાવવા જતાં ઉષ્માનો દુપટ્ટો આઈ 20 કારમાં સવાર ઈસમે પકડી લેતાં બૂમાબૂમ કરતાં મોરથાણા ગામના લોકો મદદે દોડી આવ્યા હતા, જેમાં આઈ 20 કારમાં સવાર ચાર ઈસમ પૈકી એક ઈસમે ખિસ્સામાંથી ચપ્પુ કાઢી મદદે આવેલા મોરથાણા ગામે પટેલ ફળિયામાં રહેતા નિલેશ મગન પટેલને ચપ્પુના ઉપરાછાપરી ચાર ઘા મારી લોહીલુહાણ કરી દેતાં નિલેશ રોડ પર પડી ગયો હતો.

હત્યાના પ્રયાસની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી
કારમાં સવાર ચાર ઈસમ પૈકી ત્રણ ઈસમ કાર લઈ નાસી છૂટ્યા હતા. જ્યારે એક ઈસમ હાર્દિક હિંમત કાતરિયા (હાલ રહે.,283 કમલ પાર્ક સોસાયટી, એલ.એચ.રોડ, મૂળ રહે.,રાજુલા, જિ.અમરેલી) પકડાઈ જતાં લોકોએ મેથીપાક આપી કામરેજ પોલીસને સોંપ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત નિલેશને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પકડાયેલા હાર્દિકની પૂછપરછ કરતાં અન્ય ત્રણ ઈસમ કલ્પેશ સીસારા દર્શન સના હડિયા તેમજ વિજય મકવાણા હોવાનું જણાવ્યું હતું. પોલીસે હેમાંગીની ચાર ઈસમ વિરુદ્ધ છેડતી તેમજ હત્યાના પ્રયાસની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં આઈ 20 કારમાં આગળના ભાગે અંગ્રેજીમાં આર્મી પણ લખેલું હતું. જે અંગે પકડાયેલા હાર્દિકની પૂછપરછ કરતાં દર્શન આર્મીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બનતાં મોટી સંખ્યામાં કામરેજ પોલીસમથકમાં લાલચુડા કડવા પાટીદાર સમાજના લોકો ભેગા થઈ ગયા હતા.

Most Popular

To Top