સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરવાની સાથે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. મનપાની કુલ 120 બેઠકમાંથી ભાજપે 1995ની ચૂંટણી પછી સૌથી વધુ 115 બેઠક કબજે કરી છે. જ્યારે આપનો સુરતમાં સફાયો થઈ ગયો છે. જે આપ પાર્ટીને ગત વખતે 27 બેઠકો મળી હતી. તે પાર્ટી આ વખતે માત્ર 4 જ બેઠકો પર સિમિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસનું પાંચ વર્ષ બાદ ફરી મનપામાં આગમન થયું છે. કોંગ્રેસને એક બેઠક મળી છે.
અગાઉ વર્ષ 1995માં મનપાની 99 બેઠક હતી ત્યારે ભાજપે 98 બેઠક જીતી હતી અને વર્ષ 2021માં 120 પૈકી 93 બેઠક જીતી હતી. આ વિક્રમ આ વખતની જીત સાથે તૂટ્યા છે. આ જીત સાથે જ ભાજપ સતત સાતમી વખત સુરત મનપાનુ શાસન સંભાળવા જઇ રહ્યું છે. આ વખતે પ્રચાર દરમિયાન ભાજપ સામે દેખાયેલા રોષ અને ઉમેદવારોના વિરોધને જોતા બેઠકો ઘટશે અને વિપક્ષ વધુ બેઠકો લાવશે તેવો અંદાજ રાજકીય પંડિતો વ્યક્ત કરતાં હતા. પરંતુ આ તમામ અંદાજ ખોટા સાબિત થયા છે. બહુ ગાજેલો વિપક્ષ આમ આદમી પાર્ટી 17 નંબરનો એકમાત્ર વોર્ડ બચાવી શકી છે અને 4 બેઠકોમાં સમેટાઇ ગયો છે. જ્યારે બીજી બાજુ વરસોથી મૃત:પ્રાય કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ હવે રેસના ઘોડાને મેદાનમાં ઉતારવાની વાત કરી હતી પરંતુ કોંગ્રેસે ઉતારેલા રેસના ઘોડા દોડ્યા નથી. કોંગ્રેસે સમખાવા પૂરતી એક બેઠક જીતીને કમબેક જરૂર કર્યું છે.
આજે સવારે 9 વાગ્યાથી જ મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. વહેલી સવારથી જ કાઉન્ટિંગ સેન્ટર બહાર ભાજપ, આપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મતગણતરીના પ્રારંભિક રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારો આગળ નીકળતા કાઉન્ટિંગ સેન્ટર બહાર જશ્નનો માહોલ જામ્યો હતો. ઢોલ-નગારાના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા. એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની શુભેચ્છા પાઠવી હતી. અનેક સ્થળોએ લેઝીમ ડાન્સ અને ફટાકડાં સાથે ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક વિજેતા ઉમેદવારોને સમર્થકોએ ખભા પર બેસાડી વિજય સરઘસ પણ કાઢ્યા હતા.
કાઉન્ટિંગ સેન્ટર બહાર ભાજપ અને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો સામસામે આવી જતાં થોડો સમય માહોલ ગરમાયો હતો, જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તાત્કાલિક દરમિયાનગીરી કરી મામલો શાંત પાડવામાં આવ્યો હતો. જેમ જેમ દરેક વોર્ડના પરિણામો જાહેર થતાં ગયા તેમ તેમ વિજેતા ઉમેદવારો પોતાની પેનલ સાથે બહાર આવ્યા હતા. સમર્થકોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાં વિજયી સરઘસનું સ્વાગત કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.