પાલિકા થી જિલ્લા અને તાલુકા પંચાયત સુધી કોંગ્રેસનો પરાજય, સંગઠનમાં ઝટકો
નૈતિક જવાબદારી સ્વીકારી પ્રમુખ પદેથી વિદાય, જિલ્લા કોંગ્રેસ મોભી વિહોણી
વડોદરા:
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વડોદરા જિલ્લામાં કોંગ્રેસના નબળા પ્રદર્શનની સીધી અસર સંગઠન પર જોવા મળી છે. ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પઢિયારે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસનો ગઢ ગણાતા વિસ્તારોમાં પણ પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને જશપાલસિંહ પઢિયારના પોતાના મતવિસ્તાર પાદરામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમ ત્રણેય સ્તરે કોંગ્રેસના ઉમેદવારો પરાજિત થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. પોતાના વિસ્તારમાં પક્ષને જીત અપાવવામાં નિષ્ફળ રહેતા તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી પદ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ચૂંટણી પરિણામો બાદ જ્યાં એક તરફ વિજયોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લા પ્રમુખના રાજીનામાને પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે અને હવે નવા નેતૃત્વ હેઠળ સંગઠનને ફરી મજબૂત બનાવવા પક્ષ શું વ્યૂહરચના અપનાવે છે તે પર રાજકીય વર્તુળોની નજર છે. ⚖️📊