Dakshin Gujarat

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં દીપડો ઘૂસી ગયો, ખુલ્લેઆમ લટાર મારતા દીપડાને કારણે ભયનો માહોલ

વ્યારા: (Vyara) ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના (Ukai Thermal Power Station) સ્વિચ યાર્ડ વિસ્તારમાં કદાવર દીપડો (Panther) ઘૂસી જતાં છેલ્લા બે દિવસથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ગત તા.૨૦મી મેના રોજ મધ્ય રાત્રિનાં અરસામાં આ કદાવર દીપડો થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓને દેખાયો હતો. જેને લઈ આ પાવર સ્ટેશનમાં અફડાતફડી સાથે ભયનો માહોલ પ્રસર્યો હતો.

  • ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં દીપડો ઘૂસી જતાં છેલ્લા બે દિવસથી ભયનો માહોલ
  • ખુલ્લેઆમ લટાર મારતો દીપડો દેખાતાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરતા જોવા મળ્યા

થર્મલ પાવર સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ આ બનાવ અંગેની જાણ સોનગઢ વન વિભાગને કરી હતી. બીજા દિવસે જ્યાં દીપડો દેખાયો તે સ્થળે તેમજ તેના પગનાં નિશાનો દેખાયાં તે તમામ સ્થળોએ મારણ સાથે ચાર જેટલાં પાંજરાં વન વિભાગે ગોઠવ્યાં હતાં. જ્યારે અન્ય એક પાંજરું થર્મલ પાવર સ્ટેશનની બહાર મૂકવામાં આવ્યું હતું. પણ હજુ સુધી આ દીપડો પાંજરે પુરાયો નથી. જેને લઈ આ થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરનાર કર્મચારીઓના જીવને જોખમ બન્યું છે. રવિવારે સવારે સોનગઢ આરએફઓએ થર્મલ પાવર સ્ટેશન પાસેથી પસાર થતી કેનાલ પાસે દીપડાનાં પંજાનાં નિશાન જોઇ આ દીપડો થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાંથી બહાર નીકળી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. જો કે, તેને ૧૦૦ ટકા ખાતરી આપી શકાય તેમ ન હોવાથી હાલ આ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરતા જોવા મળ્યા છે. ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ લટાર મારતો દીપડો દેખાતાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

દીપડાને અંદર ઘૂસવા માટેની ત્રણ શક્યતા છે
ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં દીપડાને અંદર ઘૂસવા માટેની ત્રણ શક્યતા છે. પહેલી કોલસા લાવવા માટેની અંદર સુધીની રેલવે લાઇન, બીજી સુરક્ષા દીવાલને અડીને આવેલાં મોટાં ઝાડ કે જેની ઊંચાઈ દીવાલ કરતા પણ વધુ છે. જેનું પ્રિ-મેઇન્ટેનન્સ થતું નથી, તેમજ ત્રીજી શક્યતા અમુક જગ્યા એવી છે કે ત્યાંથી દીવાલ પણ ચઢી શકે છે.
-અનિલ પ્રજાપતિ, આરએફઓ, સોનગઢ, જિ.તાપી

Most Popular

To Top