સુરત શહેરના વરાછા વિસ્તારના અશ્વિનીકુમારમાંથી માનવતાને ઝંઝોડીને મૂકી દે તેવી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય જતીન જગદીશ સોનાણીએ શેરબજારમાં થયેલા આશરે રૂ. 40થી 50 લાખના દેવાના ભારે બોજ હેઠળ પોતાની જ 63 વર્ષીય દત્તક માતા ભાનુબેનની ગળે ટૂંપો આપી નિર્મમ હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. જો કે પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ, જતીન છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ભારે નુકસાન સહન કરી રહ્યો હતો. દેવું સતત વધતું જતાં તે ગંભીર માનસિક તણાવમાં જીવતો હતો. ઘટનાની રાત્રે માતા-પુત્ર રોજની જેમ ભોજન કરીને પોતાના રૂમમાં સૂવા ગયા હતા. મધરાત્રિ દરમિયાન જતીને ઘોર નિંદ્રામાં સૂતેલી માતાના ગળા પર દોરી જેવા સાધન વડે ટૂંપો આપી તેમનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ તેણે રૂમમાં પંખાના હૂક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બપોર સુધી દરવાજો ન ખૂલતાં પડોશીઓને ગઈ શંકા
શુક્રવારે બપોર સુધી માતા કે પુત્રમાંથી કોઈ ઘરની બહાર ન આવતા પડોશીઓને શંકા ગઈ હતી. તેમણે અનેક વખત દરવાજો ખખડાવ્યો છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. અંતે બારીમાંથી અંદર નજર કરતાં ભાનુબેન પલંગ પર મૃત હાલતમાં અને જતીનનો મૃતદેહ લટકતો જોવા મળતા તરત જ અશ્વિનીકુમાર પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસને મળી એક પાનાની સુસાઇડ નોટ
ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસ, ફોરેન્સિક ટીમ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન ઘરમાંથી એક પાનાની હાથે લખાયેલી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં જતીને શેરબજારમાં થયેલા ભારે નુકસાન, રૂ. 40થી 50 લાખના દેવા, કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે અને કોને કેટલા ચૂકવવાના છે તેની વિગતવાર નોંધ કરી હતી. સાથે જ તેણે પોતાના કાકા-કાકી અને અન્ય પરિવારજનો પાસે માફી પણ માંગી હતી. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
ફોરેન્સિક પીએમમાં હત્યાની પુષ્ટિ
પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે ભાનુબેનનું મૃત્યુ ગળા પર દોરી અથવા વાયર જેવા સાધન વડે ટૂંપો આપવાના કારણે થયું હતું, જ્યારે જતીનનું મૃત્યુ ગળાફાંસો ખાવાથી થયું હતું. આ રિપોર્ટ બાદ પોલીસે હત્યા અને આત્મહત્યાની દિશામાં તપાસ આગળ વધારી છે.
મૂળ ભાવનગર જિલ્લાના મહેસાણકા ગામનો પરિવાર
મળતી માહિતી મુજબ જતીન અને તેનો પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મહેસાણકા ગામના વતની હતા. હાલ તેઓ સુરતના વરાછા એલ.એચ. રોડ સ્થિત રૂપમ સોસાયટી વિભાગ-1ના પ્રથમ માળે ભાડાના મકાનમાં રહેતા હતા. વર્ષ 2014માં પિતા જગદીશભાઈના અવસાન બાદ માતા ભાનુબેન અને જતીન બંને સાથે રહેતા હતા.ભાનુબેન સિલાઈ કામ કરીને ઘરની આર્થિક જરૂરિયાતોમાં મદદરૂપ બનતા હતા.
સ્ટેશનરીની નોકરી છોડી શરૂ કરી હતી શેરબજારની ઓફિસ
જતીન અગાઉ એક સ્ટેશનરીની દુકાનમાં નોકરી કરતો હતો. નોકરીની સાથે તે શેરબજારનું કામ પણ કરતો હતો. વધુ કમાણીની આશામાં તેણે અંદાજે અઢીથી ત્રણ મહિના પહેલાં સ્ટેશનરીની નોકરી છોડી દીધી હતી અને સુરતના મીની બજાર વિસ્તારમાં શેરબજાર સંબંધિત પોતાની ઓફિસ શરૂ કરી હતી. પરંતુ બજારમાં સતત નુકસાન થતાં તે ભારે દેવામાં ફસાઈ ગયો હતો.
રૂ. 40થી 50 લાખનું દેવું બન્યું જીવલેણ
શેરબજારમાં કરેલા રોકાણ સતત ઊંધા પડતાં જતીન પર આશરે રૂ. 40થી 50 લાખનું દેવું થઈ ગયું હતું. આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતા તે ગંભીર માનસિક દબાણમાં આવી ગયો હતો. પોલીસના અનુમાન મુજબ આ જ માનસિક તણાવ અને દેવાના બોજને કારણે તેણે આ ભયાનક પગલું ભર્યું હતું.
6 મહિનાની ઉંમરે દત્તક લીધો હતો
આ સમગ્ર ઘટનાનું સૌથી કરૂણ પાસું એ છે કે જતીન પોતાના જન્મદાતા માતા-પિતાનો નહીં પરંતુ દત્તક પુત્ર હતો. તે મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને ભાનુબેને તેને દત્તક લીધો હતો. ભાનુબેને તેને પોતાના સગા પુત્રની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. પતિના અવસાન બાદ પણ માતા-પુત્ર પ્રેમથી સાથે રહેતા હતા. ગુરુવારે રાત્રે પણ બંને પડોશીઓ સાથે હસતા-બોલતા પોતાના રૂમમાં ગયા હતા, પરંતુ થોડા જ કલાકોમાં આ ખુશ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.
સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
આ ઘટનાથી રૂપમ સોસાયટી સહિત સમગ્ર વરાછા વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. પાડોશીઓનું કહેવું છે કે માતા-પુત્ર ખૂબ જ શાંત સ્વભાવના હતા અને ક્યારેય કોઈ સાથે વિવાદ કરતા નહોતા. જતીન છેલ્લા કેટલાક સમયથી ચિંતિત રહેતો હોવાનું નજીકના લોકો જણાવી રહ્યા છે. હાલ અશ્વિનીકુમાર પોલીસે સુસાઇડ નોટ, ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની દરેક દિશામાં તપાસ શરૂ કરી છે. આ કરૂણ બનાવ ફરી એકવાર દર્શાવે છે કે આર્થિક સંકટ અને માનસિક તણાવ વ્યક્તિને કેટલા ભયાનક નિર્ણય સુધી લઈ જઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આવા તણાવમાંથી પસાર થઈ રહ્યો હોય, તો સમયસર પરિવાર, મિત્રો અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતની મદદ લેવી અત્યંત જરૂરી છે.