Dakshin Gujarat

સુરતીઓને પ્રિય પોંકનો સ્વાદ બગડ્યો, આ છે કારણ…

બારડોલી : થોડા દિવસ પૂર્વે થયેલા માવઠાથી પોંક માટેની જુવારનો પાક નિષ્ફળ ગયો છે. પોંક બજારને શરૂ થયા માંડ સાત દિવસ થયા છે ત્યાં તો વરસાદ પડતાં પોંક માટેની જુવાર પકવતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. વરસાદને કારણે જુવાર લાલ અને કઠણ થઈ જતાં પોંકની ગુણવત્તા પર અસર થઇ છે. આથી ખેડૂતોની સાથે સાથે વિક્રેતાઓની ચિંતા પણ વધી ગઈ છે.
સામાન્ય રીતે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ જતા જ જુવારનો પોંક ખાવા સ્વાદ રસિયાઓને સળવળાટ થવા માંડે એ સ્વાભાવિક છે. સાથે જ તીખી, મોળી, લીંબુમરી વાળી અલગ અલગ પ્રકારની સેવ અને સાકરિયા દાણા સાથે પોંક લિજ્જત માણવાની મજા જ કઈ ઓર હોય છે.

ખાસ કરીને સુરત જિલ્લામાં પોંકની ખેતી બારડોલીની આજુબાજુના ગામોમાં થાય છે. શિયાળો શરૂ થતાં જ વાનીની જુવાર પકવતા ખેડૂતોએ પોંકનો ઉતાર કરવાનું શરુ કરીને તેનું વેચાણ શરુ કર્યું છે. કમોસમી વરસાદના કારણે શરૂઆતમાં પોંકનો ભાવ 600 રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ ઘટીને 500 કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં ગ્રાહકો ઓછા આવતા વિક્રેતાઓની મુશ્કેલી વધી છે.

પોંકને બદલે 25 ટકા તો જુવાર જ નીકળી રહી છે
ખેતરોમાં પોંક માટેની જુવાર તૈયાર થઈ ચૂકી હતી, તે જ સમયે વરસાદ તૂટી પડતાં અમારી મહેનત માથે પડી છે. હાલમાં જુવારનો દાણો લાલ આવી રહ્યો છે કણસલામાંથી પણ 25 ટકા જ જુવાર નીકળી રહી છે. આગામી 25 ડિસેમ્બર બાદ નવી જુવાર તૈયાર થયા બાદ ગુણવત્તાયુક્ત પોંક મળી શકશે.

પોંકની ગુણવત્તા ઉપર માઠી અસર
નવેમ્બર ડિસેમ્બરમાં એનઆરઆઇ મોટી સંખ્યામાં ઉતરી પડતાં હોય પોંક બજાર ધમધમી ઊઠે છે. પરંતુ આ વખતે માવઠું થતાં પોંકની ગુણવત્તા પર તેની અસર જોવા મળશે. જાણકારોનું માનવું છે કે, વરસાદ પડવાથી જુવારનો દાણો લાલ અને કઠણ થઈ જાય છે. જે પછી કઈ કામ આવતો નથી. આથી આ વખતે પોંક વિક્રેતાની સ્થિતિ પણ દયનીય બની છે. બારડોલીમાં 20 થી 22 પોંક વિક્રેતાઑ બજારમાં પોતાની સ્ટોલ લગાવે છે. તમામને વરસાદને કારણે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. તેઓએ હવે બહારથી પોંક લાવવો પડી રહ્યો છે.

Most Popular

To Top